ભારતે બંગાળની ખાડી વિસ્તારમાં 4 જૂનથી 9 જૂન વચ્ચે સંભવિત મિસાઈલ પરીક્ષણોને ધ્યાનમાં રાખીને અનેક NOTAM (Notice to Airmen) અને દરિયાઈ નેવિગેશન ચેતવણીઓ જાહેર કરી છે. આ સૂચનાઓ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારતીય સેના અને નૌસેના આ સમયગાળા દરમિયાન મોટા પાયે મિસાઈલ પરીક્ષણો કરી શકે છે.


લાંબા અંતરની કોઈ મિસાઈલનું પરીક્ષણ થઈ શકે

પ્રથમ સૂચના ઓડિશા સ્થિત અબ્દુલ કલામ દ્વીપ સાથે સંબંધિત છે. આ મુજબ 4 જૂનથી 9 જૂન સુધી લગભગ 390 કિલોમીટર લાંબા વિસ્તારમાં ‘નો-ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન લાંબા અંતરની કોઈ મિસાઈલનું પરીક્ષણ થઈ શકે છે. બીજી સૂચના ભારતીય નૌસેનાનું પૂર્વી કમાન્ડ મુખ્યાલય તરફથી જાહેર કરવામાં આવી છે. 7 જૂનથી 9 જૂન વચ્ચે બંગાળની ખાડીમાં નૌસેનાના યુદ્ધજહાજો દ્વારા હથિયાર અથવા મિસાઇલ પરીક્ષણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ માટે લગભગ 470 કિલોમીટર લાંબા સમુદ્રી વિસ્તારને નિર્ધારિત કરવામાં આવ્યો છે.

મે મહિનામાં પણ જાહેર કરાયો હતો NOTAM

ભારત પોતાની સૈન્ય ક્ષમતાઓને સતત મજબૂત બનાવી રહ્યું છે અને આધુનિક હથિયારોના પરીક્ષણો વધારી રહ્યું છે. અગાઉ 25 એપ્રિલથી 6 મે સુધી માટે પણ NOTAM જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં બંગાળની ખાડીના વિશાળ વિસ્તારને લાંબા અંતરની મિસાઈલ પરીક્ષણ માટે 'જોખમી વિસ્તાર' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતે પોતાના વ્યૂહાત્મક મિસાઈલ ભંડારના પરીક્ષણોમાં વધારો કર્યો છે. અગ્નિ મિસાઇલ શ્રેણી, K-4 અને LRAShM જેવી પ્રણાલીઓ ભારતની ‘વિશ્વસનીય લઘુત્તમ પ્રતિરોધક ક્ષમતા’ની મુખ્ય કડી માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ લગભગ 800 કિલોમીટર રેન્જ ધરાવતી બ્રહ્મોસ મિસાઇલને 2027ના અંત સુધીમાં સેનામાં સામેલ કરવાની યોજના છે.

આ પણ વાંચો : Cabinet Decisions: કેબિનેટનો મોટો નિર્ણય, ₹10,000 કરોડના ATF ફંડને મંજૂરી


  • Follow us on: