કેન્દ્ર સરકારની મોદી કેબિનેટે બુધવારે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ગતિ આપતા બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રથમ પ્રોજેક્ટ દિલ્હીમાં બનનારી 8 કિલોમીટર લાંબી 6-લેન દ્વારકા ટનલનો છે, જેના માટે અંદાજે ₹6,970 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ટનલ દિલ્હીના ટ્રાફિક દબાણને ઘટાડવામાં મદદરૂપ બનશે અને રાજધાનીમાં નવો પરિવહન કોરિડોર ઊભો કરશે. તેમણે જણાવ્યું કે ટનલનું નિર્માણ દિલ્હીના 'રિજ' વિસ્તારને કોઈ નુકસાન ન થાય તે રીતે કરવામાં આવશે.
https://twitter.com/ANI/status/2072259382084256016
242 કિલોમીટર લાંબો એક્સેસ-કન્ટ્રોલ્ડ હાઈવે બનાવાશે
બીજો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તાર સાથે જોડાયેલો છે. આ હેઠળ કાનપુરથી કબરાઈ સુધીનો 242 કિલોમીટર લાંબો એક્સેસ-કન્ટ્રોલ્ડ હાઈવે બનાવવામાં આવશે, જે આગળ મહોબા અને ભોપાલ સુધીના માર્ગને વધુ સુગમ બનાવશે. આ હાઈવે કાનપુર, હમીરપુર અને મહોબા જેવા જિલ્લાઓને વધુ સારી કનેક્ટિવિટી આપશે અને ટ્રાફિકના કુદરતી પ્રવાહને ઝડપી બનાવશે.
પ્રથમ તબક્કામાં 4-લેન હાઈવે બનાવાશે
આ પ્રોજેક્ટ BOT (બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર) ટોલ મોડલ હેઠળ વિકસાવવામાં આવશે અને તેમાં ગ્રીનફિલ્ડ તથા બ્રાઉનફિલ્ડ બંને પ્રકારના માર્ગોનો સમાવેશ થશે. પ્રથમ તબક્કામાં 4-લેન હાઈવે બનાવાશે, પરંતુ ભવિષ્યમાં તેને 6-લેન સુધી વિસ્તૃત કરી શકાય તે રીતે ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન મુજબ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું આયોજન વર્ષ 2047ના ભારતના વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે.
આ હાઈવે બુંદેલખંડ ડિફેન્સ કોરિડોર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના વિકાસને વેગ આપશે. સાથે જ કાનપુરથી કબરાઈ વચ્ચેનો હાલનો અંદાજે સાડા ત્રણ કલાકનો પ્રવાસ ઘટીને માત્ર દોઢ કલાકમાં પૂર્ણ થઈ શકશે, જેના કારણે વેપાર, ઉદ્યોગ અને સ્થાનિક અર્થતંત્રને મોટો લાભ મળશે.
આ પણ વાંચો : NEET, JEE અને CUETની પરીક્ષા પદ્ધતિમાં થઈ શકે મોટો ફેરફાર, શિક્ષણ મંત્રાલયની કમિટીએ સોંપ્યો રિપોર્ટ