દેશની મુખ્ય પ્રવેશ પરીક્ષાઓ NEET-UG, JEE મેઇન, CUET સહિત અન્ય એન્ટ્રન્સ પરીક્ષાઓની પદ્ધતિમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો થઈ શકે છે. આ દિશામાં કેન્દ્રના શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી 9 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિએ પોતાનો અહેવાલ સોંપ્યો છે. હવે આ અહેવાલના આધારે શિક્ષણ મંત્રાલય અંતિમ નિર્ણય લેશે, ત્યારબાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) નવી પરીક્ષા પદ્ધતિને અંતિમ સ્વરૂપ આપશે.
શું છે સમિતિનો મુખ્ય હેતુ?
જૂન 2025માં ઉચ્ચ શિક્ષણ સચિવ વિનિત જોષીના અધ્યક્ષસ્થાને આ સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની કોચિંગ પરની વધતી નિર્ભરતા ઘટાડવાનો, ડમી સ્કૂલોની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવાનો તેમજ NEET, JEE અને CUET જેવી પરીક્ષાઓને વધુ પારદર્શક અને નિષ્પક્ષ બનાવવાનો હતો.
વિદ્યાર્થીઓની ક્ષમતાનું મૂલ્યાંકન થાય તેવું મોડેલ અપનાવવાની જરૂર
સમિતિએ પોતાની ભલામણોમાં પ્રવેશ પરીક્ષાઓની રચનામાં ફેરફાર કરવાની સલાહ આપી છે. સમિતિનું માનવું છે કે હાલની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીઓને કોચિંગ પર વધુ નિર્ભર બનાવે છે. તેથી પ્રશ્નપત્ર અને મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓની વાસ્તવિક સમજ અને ક્ષમતાનું મૂલ્યાંકન થાય તેવું મોડેલ અપનાવવાની જરૂર છે. સાથે જ કોચિંગ સંસ્થાઓને નિયમિત કરવા માટે કાયદો બનાવવાની સંભાવના પર પણ વિચારણા ચાલી રહી છે.
એપ્ટિટ્યુડ આધારિત પ્રશ્નોને વધુ મહત્વ આપવામાં આવી શકે
બીજી તરફ, IITમાં પ્રવેશ માટે લેવાતી JEE એડવાન્સ્ડ પરીક્ષાના પેટર્નમાં પણ ફેરફાર કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. નવા મોડેલમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ (PCM) આધારિત પ્રશ્નોની જગ્યાએ એપ્ટિટ્યુડ આધારિત પ્રશ્નોને વધુ મહત્વ આપવામાં આવી શકે છે. જુલાઈ દરમિયાન દેશની તમામ 23 IITમાં પ્રથમ વર્ષના B.Tech વિદ્યાર્થીઓ પર નવા પેટર્નનો ટ્રાયલ લેવામાં આવશે. ટ્રાયલના પરિણામોના આધારે IIT કાઉન્સિલ આગળનો નિર્ણય લેશે અને બધું અનુકૂળ રહ્યું તો JEE એડવાન્સ્ડ 2027 નવી પદ્ધતિ મુજબ યોજાઈ શકે છે.
આ પણ વાંચો : QRSAM ડીલને ટુંક સમયમાં જ મળી શકે છે મંજૂરી, સેનાની સંરક્ષણ ક્ષમતા બનશે વધુ મજબૂત