મુંબઈમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. મોનોરેલ ફસાઇ જતા પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મુસાફરો ટ્રેનની અંદર ફસાઈ જતા ક્રેનની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. બીએમસીએ કહ્યુ છે કે, ટ્રેનમાં લગભગ 150 લોકો ફસાયેલા છે.


વરસાદના કારણે તારાજી સર્જાઇ

મુંબઈમાં મુશળધાર વરસાદને કારણે શહેરની ગતિ ધીમી પડી છે. રસ્તાઓથી લઈને લોકલ ટ્રેન સેવાઓ, જેને મુંબઈની લાઈફલાઈન કહેવામાં આવે છે, તે પણ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગઈ છે. કુર્લા રેલ્વે સ્ટેશનની પરિસ્થિતિ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. મુખ્ય લાઈનમાં પાણી ભરાઈ જવાને કારણે અહીં લોકલ ટ્રેનો બંધ થઈ ગઈ છે. આના કારણે સેંકડો મુસાફરો એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી પાટા પર ચાલતા જોવા મળ્યા હતા. આ દરમિયાન મુસાફરોને મદદ કરવા માટે RPF અને GRP કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મુંબઇમાં ભારે વરસાદથી ભારે મુશ્કેલીઓ સર્જાઇ છે. હવામાન વિભાગે ફરી એકવાર મુંબઈમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.

BMC સામે રોષ

BMCની તૈયારીઓ પર ફરી પ્રશ્નો ઉભા થયા છે. દર વર્ષની જેમ, આ વખતે પણ વરસાદે મ્યુનિસિપલ બોડીના વચનો અને દાવાઓનો પર્દાફાશ કર્યો છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, BMCએ સરકારી અને ખાનગી કચેરીઓ માટે રજા જાહેર કરવી પડી. મુંબઈમાં ચોમાસાના ફૂંકાવાની અસર વારંવાર લોકલ ટ્રેન સેવાઓ પર પડી રહી છે. સૌથી વધુ અસર હાર્બર અને સેન્ટ્રલ રૂટ પર પડી છે. ભારે વરસાદને કારણે ઘણી ટ્રેનો રદ કરવી પડી છે. ઉપરાંત, ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. આ ઉપરાંત, કુર્લા, સાયન, માટુંગા, કિંગ સર્કલ, થાણે જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી રૂટ બંધ થઈ ગયા છે. પશ્ચિમ રેલ્વેએ સતત વરસાદ વચ્ચે પણ ટ્રેન સેવાઓ ચલાવવાનો દાવો કર્યો છે. 

  • Follow us on: