મધ્યપ્રદેશના સાગર શહેરમાં પેરેડાઇઝ હોટેલ સામે બપોરે 3 વાગ્યાના સુમારે એક ચોંકાવનારી અને સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. મકરોનિયાના માનસ નગરના રહેવાસી 28 વર્ષીય અંકિત પટેલ અને એક અજાણ્યા શખ્સ વચ્ચે કોઈ બાબતે સામાન્ય ઝઘડો થયો હતો. જોતજોતામાં વિવાદ એટલો ઉગ્ર બન્યો કે આરોપીએ લોખંડનો પાઇપ ઉપાડી અંકિત પર અંધાધૂંધ હુમલો શરૂ કરી દીધો હતો. સીસીટીવીમાં માત્ર 16 સેકન્ડમાં માથા પર 14 જેટલા જીવલેણ ઘા ઝીંકાયા હોવાનું દેખાઈ રહ્યું છે.

MP ના સાગરમાં ચોંકાવનારી ઘટના

બપોરના સમયે અચાનક થયેલી આ હિંસક ઘટનાથી આસપાસના શોરૂમ, ચા-નાસ્તાની દુકાનો અને ડેરીના વેપારીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો પોતાની દુકાનો બંધ કરીને ભાગવા લાગ્યા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક યુવકે હિંમત બતાવીને આરોપીને પકડીને અંકિતથી દૂર કર્યો હતો, ત્યારબાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પેરેડાઇઝ હોટેલ સામે ધોળા દિવસે યુવકની નિર્મમ હત્યા

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગંભીર રીતે ઘવાયેલા અંકિત પટેલને હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ હત્યા કોઈ જૂની દુશ્મનાવટનું પરિણામ છે કે તાત્કાલિક ઉશ્કેરાટમાં આચરવામાં આવેલું કૃત્ય છે, તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો: Faridabad: બલ્લભગઢમાં રમતા રમતા અઢી વર્ષની બાળકી બોરવેલમાં પડી, સ્થાનિકો અને પ્રશાસન હરકતમાં