મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે રાત્રે મોટી વિમાન દુર્ઘટના થતા થતા ટળી હતી. માહિતી અનુસાર, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના બે વિમાનો એક જ રનવે પર સામસામે આવી જતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી. જોકે, એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની સમયસરની કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

લેન્ડિંગ બાદ વિમાન હજુ રનવે પરથી સંપૂર્ણપણે હટ્યું નહોતું

પ્રાપ્ત માહિતી મુજબ, મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ AIX1547 મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. લેન્ડિંગ બાદ વિમાન હજુ રનવે પરથી સંપૂર્ણપણે હટ્યું નહોતું. તે દરમિયાન દિલ્હી જવા તૈયાર એર ઈન્ડિયાની ફ્લાઇટ AI816ને એ જ રનવે પરથી ટેકઓફ માટે મંજૂરી મળવાની પ્રક્રિયા ચાલી રહી હતી. બંને વિમાનો એક જ રનવે પર હોવાની સ્થિતિ સર્જાતા તરત જ ATCએ હસ્તક્ષેપ કર્યો.

એર ઈન્ડિયાના પાયલોટે ટેકઓફની પ્રક્રિયા અટકાવી દીધી

ATCના તાત્કાલિક નિર્દેશ બાદ એર ઈન્ડિયાના પાયલોટે ટેકઓફની પ્રક્રિયા અટકાવી દીધી અને વિમાનને પાછું 'બે'માં લઈ જવામાં આવ્યું. આ ઝડપી નિર્ણયને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી ગઈ અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા. આ સમગ્ર ઘટનાને લઈને એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે 7 જુલાઈએ મુંબઈથી દિલ્હી જતી ફ્લાઇટ AI816ના ક્રૂએ ATCના નિર્દેશનું પાલન કરીને ટેકઓફ રોકી દીધો હતો. જોકે, ઘટનાની વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.

બીજી તરફ એર ઈન્ડિયાએ મુંબઈ અને દિલ્હી વચ્ચે મુસાફરી કરતા યાત્રીઓ માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે. કંપનીએ જણાવ્યું છે કે ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર પડી શકે છે. તેથી મુસાફરોએ એરપોર્ટ જવા પહેલાં પોતાની ફ્લાઇટનું સ્ટેટસ ઓનલાઈન તપાસી લેવું જોઈએ, જેથી અનાવશ્યક મુશ્કેલીઓથી બચી શકાય.

આ પણ વાંચો : Keralam : વાયનાડ દુર્ઘટના બાદ અમિત શાહે કેરળના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત, કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહાયની આપી ખાતરી