દક્ષિણ મુંબઈના અત્યંત સંવેદનશીલ અને ચર્ચિત વિસ્તાર પાકમોડિયા સ્ટ્રીટમાં ગુરુવાર સવારથી બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા મોટી તોડફોડની કાર્યવાહી ચાલી રહી છે. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે BMCની ટીમ પાકમોડિયા સ્ટ્રીટ સ્થિત હાજી ઇસ્માઇલ હબીબ મુસાફિરખાનાના જર્જરિત ભાગો પર બુલડોઝર ચલાવી રહી છે.
ખાસ વાત એ છે કે આ જ પરિસરની નજીક અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું પૈતૃક મકાન આવેલું હતું. જોકે, આજની કાર્યવાહીમાં દાઉદનું ઘર સામેલ નથી. વિવાદોમાં રહેલી મસ્જિદના મુખ્ય ભાગને પણ હાલ પૂરતો તોડફોડની કાર્યવાહીથી અલગ રાખવામાં આવ્યો છે. બીજી તરફ, મુસાફિરખાના મસ્જિદની તોડફોડ અંગે મુંબઈ હાઇકોર્ટમાં બપોરે 3 વાગ્યે સુનાવણી થવાની છે.
પાકમોડિયા સ્ટ્રીટમાં સવારથી જ BMCની ટીમ ભારે સુરક્ષા વ્યવસ્થા સાથે તૈનાત છે. ટીમ દ્વારા હાજી ઇસ્માઇલ હબીબ મુસાફિરખાના પરિસરના જર્જરિત ભાગોને તોડી પાડવામાં આવી રહ્યા છે. આ પરિસરમાં આવેલી મસ્જિદના ઉપરના ભાગ અને આસપાસના જર્જરિત બાંધકામને તોડવામાં આવી રહ્યું છે. જોકે, અગાઉ વિવાદમાં રહેલી મસ્જિદના મુખ્ય ભાગ પર હાલ બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું નથી અને તેને આ કાર્યવાહીથી અલગ રાખવામાં આવ્યો છે.
કોઈ અનિચ્છનીય ઘટના કે વિરોધ પ્રદર્શન થવાની આશંકાને ધ્યાનમાં રાખીને સમગ્ર પાકમોડિયા સ્ટ્રીટ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બેરીકેડિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.
દાઉદ ઇબ્રાહિમના પૈતૃક ઘર સાથે શું છે આ પરિસરનો સંબંધ?
આ સમગ્ર પરિસરનો સંબંધ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના પૈતૃક ઘર સાથે રહ્યો છે. આ જ ઇમારતના બીજા ભાગમાં એક સમયે દાઉદનું પૈતૃક મકાન હતું, જેને આશરે 4થી 5 વર્ષ પહેલાં કોરોના મહામારીના સમયગાળા દરમિયાન જ તોડી પાડવામાં આવ્યું હતું. આજે BMC જે બાકી રહેલા જર્જરિત ભાગ પર કાર્યવાહી કરી રહી છે, તેમાં દાઉદનું મકાન સામેલ નથી.
પાકમોડિયા સ્ટ્રીટ એ જ વિસ્તાર છે જ્યાં દાઉદ ઇબ્રાહિમનો જન્મ થયો હતો, તેનું બાળપણ વીત્યું હતું અને તેણે પ્રાથમિક શાળાનું શિક્ષણ મેળવ્યું હતું. અહીંથી જ દાઉદે સ્થાનિક યુવકોને એકઠા કરીને પોતાના ગુનાહિત સામ્રાજ્ય એટલે કે 'ડી-કંપની'નો પાયો નાખ્યો હતો.
ઇતિહાસના અહેવાલો અનુસાર, આ જ પાકમોડિયા સ્ટ્રીટમાં પઠાણ ગેંગે દાઉદના ભાઈ શબ્બીર ઇબ્રાહિમની હત્યા કરી હતી. આ હત્યાનો બદલો લેવા માટે દાઉદે રામા નાઈક અને મોટા રાજનની ટોળકી સાથે મળીને સમદ પઠાણની હત્યા કરાવી હતી.
આ પણ વાંચો:Viral Video: ચર્ચા વચ્ચે એવો સવાલ પૂછાયો કે લાઇવ ટીવી ડિબેટમાં છૂટા પડ્યા લાત-મુક્કા! કેમેરા સામે જ બાખડ્યા બે મહેમાન