આર્મેનિયામાં લાઇવ ટીવી ડિબેટ દરમિયાન એવો હંગામો થયો કે બે પેનલિસ્ટ સ્ટુડિયોમાં જ એકબીજા સાથે બાખડી પડ્યા હતા. મામલો એટલો વકર્યો કે બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી.
ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર ઘટના લાઇવ પ્રસારણ દરમિયાન બની હતી. આ ઘટના ગયા શુક્રવારે (13 નવેમ્બરે) બની હોવાનું કહેવાય છે. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
હકીકતમાં, આર્મેનિયાના સરકારી બ્રોડકાસ્ટરના ટીવી કાર્યક્રમ 'ધ ગ્રેટ ડિબેટ'માં દેશના રાજકારણ પર ચર્ચા કરવા માટે પત્રકાર બોરિસ મુરાઝી અને રાજકીય વિશ્લેષક હારુત્યુન મ્ક્રતચયાન પહોંચ્યા હતા. શરૂઆતમાં કાર્યક્રમ સામાન્ય રીતે આગળ વધી રહ્યો હતો, પરંતુ એક સવાલ દરમિયાન અચાનક ભારે હોબાળો મચી ગયો હતો.
કયા મુદ્દે બંને વચ્ચે વિવાદ થયો?
અહેવાલો અનુસાર, ડિબેટ દરમિયાન માહોલ ત્યારે ગરમાયો જ્યારે મ્ક્રતચયાને મુરાઝીને આર્મેનિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સર્ઝ સરગસ્યાન સાથેના કથિત અંગત સંબંધો વિશે સવાલ કર્યો હતો. આ સવાલ સાંભળીને મુરાઝી ગુસ્સે થઈ ગયા હતા.
પૂર્વ રાષ્ટ્રપતિની ખુલ્લેઆમ ટીકા કરતા પત્રકાર મુરાઝીએ આ સવાલને અપમાનજનક ગણાવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી અને જોતજોતામાં બંને એકબીજાને અપશબ્દો કહેવા લાગ્યા હતા.
https://x.com/abhinavthink/status/2123289232055906681?a=tF4cBUNQkuKp124gw2w&s=20
લાઇવ શોમાં જ લાત-મુક્કા શરૂ થયા
ઉગ્ર બોલાચાલી બાદ બંને પેનલિસ્ટ આક્રમક થઈ ગયા હતા અને એકબીજા પર મુક્કા તથા લાતોથી હુમલો કરવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના લાઇવ ટીવી પ્રસારણમાં કેદ થઈ ગઈ હતી.
જોકે, થોડા જ સમયમાં કાર્યક્રમના ક્રૂ મેમ્બર્સ અને પ્રેઝન્ટરે વચ્ચે પડીને બંનેને અલગ કર્યા હતા. ઘટનાના બીજા દિવસે પત્રકાર મુરાઝીએ ફેસબુક લાઇવ કરીને સમગ્ર મામલે પોતાની વાત રજૂ કરી હતી.
તેમણે દાવો કર્યો હતો કે જ્યારે મ્ક્રતચયાને તમામ મર્યાદાઓ વટાવી દીધી ત્યારે તેમને યોગ્ય જવાબ આપવા માટે આવું કરવું પડ્યું હતું. મુરાઝીએ કહ્યું હતું કે, "મેં કેટલાંક પગલાં લીધાં, જે કામ તેમના પિતાએ કરવું જોઈતું હતું, તે મારે કરવું પડ્યું."
ટેલિવિઝન આયોગે વ્યક્ત કરી ચિંતા
આ સમગ્ર ઘટના અંગે આર્મેનિયાના ટેલિવિઝન અને રેડિયો આયોગે ચિંતા વ્યક્ત કરી છે. આયોગે નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ડિબેટમાં આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવેલી જાહેર હિંસા અને અપમાનજનક વર્તનને કોઈપણ સંજોગોમાં યોગ્ય ઠેરવી શકાય નહીં.
આ પણ વાંચો:Intel Job layoff: એકસાથે 24 હજાર નોકરીઓ ખતમ કરશે ઇન્ટેલ? જાણો મોટું કારણ