મુંબઈગરોને આખરે કાળઝાળ ગરમીથી રાહત મળી છે. રવિવારે સવારે મુંબઈના વિવિધ ભાગોમાં હળવા વરસાદથી લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ અને તેની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો માટે 'યલો એલર્ટ' આપ્યું છે જે 24 જૂન સુધી માન્ય રહેશે.
મુંબઈ અને અન્ય કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ
IMD અનુસાર આગામી થોડા દિવસોમાં મુંબઈમાં તૂટક તૂટક વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. મુંબઈ ઉપરાંત, વિભાગે થાણે, પાલઘર, રાયગઢ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપ્યું છે. આ સમયગાળા દરમિયાન, મધ્યમથી ભારે વરસાદ, વીજળી સાથે વાવાઝોડા અને લગભગ 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે.
મુંબઈમાં ચોમાસું ક્યારે સંપૂર્ણપણે સક્રિય થશે?
IMD મુંબઈના વૈજ્ઞાનિક સુષ્મા નાયરે વર્તમાન હવામાન પરિસ્થિતિ અંગે અપડેટ્સ શેર કર્યા, જેમાં જણાવ્યું કે રાજ્યભરમાં ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ વધુને વધુ અનુકૂળ બની રહી છે. મુંબઈ અને નજીકના વિસ્તારોમાં હાલમાં થઈ રહેલો છૂટોછવાયો વરસાદ એક સામાન્ય કુદરતી પ્રક્રિયાનો ભાગ છે. હવામાન વિભાગની આગાહી છે કે 23 જૂન સુધીમાં મુંબઈમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ જશે.
રવિવારે મુંબઇમાં વરસાદની એન્ટ્રી
રવિવારે સવારે મુંબઈના વિવિધ ભાગોમાં લગભગ અડધા કલાકના વરસાદ બાદ રહેવાસીઓને નોંધપાત્ર રાહત મળી. ડેટા દર્શાવે છે કે ઘણા રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે: વરલીમાં 25 મીમી, ઘાટકોપરમાં 24 મીમી, લોઅર પરેલમાં 21 મીમી, ચેમ્બુરમાં 20 મીમી અને માનખુર્દમાં 16 મીમી. આ વરસાદને કારણે શહેરના તાપમાનમાં પણ ઘટાડો થયો છે.
આ વખતે ચોમાસુ મોડુ પડ્યું
આ વર્ષે, મુંબઈમાં ચોમાસું તેના નિયત સમય કરતા મોડુ આવ્યું છે. સામાન્ય રીતે 11 થી 15 જૂન સુધીમાં તો વરસાદ આવી જ જાય પરંતુ પેસિફિક મહાસાગરમાં સક્રિય વૈશ્વિક આબોહવા ઘટના 'અલ નિનો' ની અસરને કારણે ચોમાસુ મોડુ બેઠું. પરિણામે મુંબઇમાં ચોમાસાનું આગમન મોડુ થયુ કારણ કે આ વાતાવરણીય પરિવર્તને પવનની પેટર્ન અને વાદળોની ગતિવિધિને સીધી અસર કરે છે.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?