મહારાષ્ટ્રના નાગપુર શહેરના ગોધની વિસ્તારમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં ક્લોરિન ગેસ લીક થવાને કારણે મોટો હડકંપ મચી ગયો હતો. આ અકસ્માતમાં 40 જેટલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જ્યારે સુરક્ષાના ભાગરૂપે આશરે 125 થી 150 પરિવારોના ઘરો ખાલી કરાવીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
https://twitter.com/ANI/status/2091747563322180065

40 લોકોને હોસ્પિટલ ખસેડાયા

ઘટનાની વિગતો મુજબ, ગોધની નગર પંચાયત દ્વારા પાણી શુદ્ધિકરણ પ્રોજેક્ટનું કામકાજ ચાલી રહ્યું હતું. આ પ્રોજેક્ટ દરમિયાન અચાનક ક્લોરિન ગેસ લીક થવાનું શરૂ થઈ ગયું હતું. ગેસનું પ્રમાણ વધતાં જ પ્રોજેક્ટ પર કામ કરતા 8 થી 10 કર્મચારીઓ અને આસપાસના વિસ્તારના 20 થી 25 જેટલા રહેવાસીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. ગેસના સંપર્કમાં આવવાથી લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ, ગળામાં બળતરા અને ઉબકા આવવાની સમસ્યાઓ સર્જાઈ હતી, જેના કારણે તાત્કાલિક તમામ પ્રભાવિતોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
https://twitter.com/ANI/status/2091734987884421327

5 લોકોની હાલત ગંભીર

હોસ્પિટલમાં દાખલ કરાયેલા દરદીઓમાંથી હાલ ચારથી પાંચ ગંભીર દર્દીઓને સઘન સંભાળ એકમ (ICU) માં રાખવામાં આવ્યા છે, જ્યારે અન્ય દર્દીઓની સારવાર જનરલ વોર્ડમાં ચાલુ છે. સદનસીબે, સમયસર સારવાર મળવાને કારણે અત્યાર સુધીમાં 12 લોકોને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે, જ્યારે 35 થી 40 લોકો હજુ પણ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
https://twitter.com/ANI/status/2091729845210460455

ગેસની અસર અન્યને ન થાય તે માટે ઘર ખાલી કરાવાયા

ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (NMC) ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ગેસની અસર આસપાસના વિસ્તારોમાં વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા અને એશિયાટીક પ્રભાવિત વિસ્તારના આશરે 150 જેટલા પરિવારોને સલામત અંતરે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં પ્રશાસન દ્વારા સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવવામાં આવ્યું છે અને ગેસ લીકેજના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
https://twitter.com/ANI/status/2091730470933586351

આ પણ વાંચોઃ Bihar ના સિંહેશ્વર ધામ મંદિરમાં નાસભાગ, 6 શ્રદ્ધાળુઓ ઘાયલ