દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા વિસ્તારમાં નવેમ્બર 2025માં થયેલા ભયાનક આતંકી હુમલા અંગે સંયુક્ત રાષ્ટ્ર (UN) ની તાજી રિપોર્ટમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. 

હુમલા પાછળ અલ-કાયદાનો હાથ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિની દેખરેખ ટીમે તૈયાર કરેલા આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ આતંકી હુમલા પાછળ 'અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ' (AQIS) નો હાથ હતો. ડિસેમ્બર 2025 થી જૂન 2026 સુધીની પ્રવૃત્તિઓના આધારે ઓગસ્ટ 2026માં આ રિપોર્ટ સુરક્ષા પરિષદ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

10 આતંકીઓ વિરુદ્ધ 7500 પાનાની ચાર્જશીટ 

ભારતમાં આ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મે 2026માં લાલ કિલ્લા કાર બોમ્બ ધમાકા કેસમાં 10 આતંકીઓ વિરુદ્ધ 7500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ અનુસાર, તમામ આરોપીઓ અલ-કાયદા સાથે જોડાયેલા 'અંસાર ગઝવત-ઉલ-હિંદ' (AGuH) મોડ્યુલ સાથે સંબંધ ધરાવતા હતા, જે AQIS નો જ એક ભાગ છે. આ આતંકીઓએ આઈઈડી (IED), રોકેટ-આધારિત વિસ્ફોટકો અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને હુમલાનું કાવતરું ઘડ્યું હતું.

અલ-કાયદા હવે નાના-નાના સેલ અને નેટવર્ક દ્વારા સક્રિય

UN ના રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે અલ-કાયદા હવે મોટા જૂથોના બદલે નાના-નાના સેલ અને નેટવર્ક દ્વારા સક્રિય થઈ રહ્યું છે, તથા બાંગ્લાદેશમાં પણ પોતાના ઓપરેશનલ સેલ બનાવવાની ફિરાકમાં છે. 

AIના વધી રહેલા દુરુપયોગ અંગે ચેતવણી

વધુમાં, આતંકવાદીઓ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધી રહેલા દુરુપયોગ અંગે ચેતવણી આપવામાં આવી છે. NIA ની તપાસમાં ખુલાસો થયો હતો કે મુખ્ય આરોપી જસીર બિલાલ વાનીએ વિસ્ફોટકો અને રોકેટ બનાવવા માટે યુટ્યુબ અને ચેટજીપીટી (ChatGPT) જેવી ટેકનોલોજીની મદદ લીધી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદની બદલાતી આ આધુનિક વ્યૂહરચના દક્ષિણ એશિયાના દેશો માટે મોટો સુરક્ષા પડકાર બની રહી છે. 


આ પણ વાંચો   :    Vadodara : એક ફ્લેટ... અનેક યુવતીઓ... ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો