નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તકમાં 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' અંગેના મુદ્દાઓ સામેલ કરતા મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત દ્વારા સખત નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, તેઓ ન્યાયતંત્ર જેવી પવિત્ર સંસ્થાને બદનામ કરવાની પરવાનગી કોઈને આપશે નહીં.


શું છે સમગ્ર વિવાદ?

NCERT ના નવા પુસ્તકમાં 'આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા' નામના પ્રકરણમાં ન્યાયતંત્રની ખામીઓ, પડતર કેસો અને ભ્રષ્ટાચાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, સામાન્ય જનતા અદાલતોના વિવિધ સ્તરે ભ્રષ્ટાચારનો અનુભવ કરે છે, જેના કારણે ગરીબો માટે ન્યાય મેળવવો મુશ્કેલ બને છે.

CJI સૂર્યકાંતનું કડક વલણ

આ બાબતની નોંધ લેતા CJI સૂર્યકાંતે જણાવ્યું હતું કે, આ એક સુનિયોજિત કૃત્ય લાગે છે. હું આ સંસ્થાની ગરિમાને ઠેસ પહોંચાડવા દઈશ નહીં. મને ખબર છે કે આની સાથે કેવી રીતે નિપટવું. તેમણે આ મામલે સુઓ મોટો (સ્વતઃ સંજ્ઞાન) લેવાની પણ તૈયારી દર્શાવી છે. રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી.

ચોંકાવનારા આંકડાઓ

પુસ્તકમાં દેશની વિવિધ અદાલતોમાં અંદાજે 5.33 કરોડથી વધુ પડતર કેસોનો ઉલ્લેખ છે. જેમાં સુપ્રીમ કોર્ટમાં 81,000 અને હાઈકોર્ટમાં 62.4 લાખ કેસો પેન્ડિંગ છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 વર્ષમાં જજો સામે અંદાજે 8,630 ફરિયાદો મળી છે. શિક્ષણ જગતમાં આ ફેરફાર સામે હવે કાયદાકીય અને રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે. શું બાળકોને ન્યાયતંત્રની નકારાત્મક બાજુ ભણાવવી યોગ્ય છે? તે પ્રશ્ન હાલ ચર્ચાના કેન્દ્રમાં છે.


આ પણ વાંચો - BJP On Rahul Gandhi: મોહબ્બત કી દુકાન' ચલાવનારા ફક્ત.. રાહુલ ગાંધી પર બીજેપીના પ્રહાર


  • Follow us on: