ઓડિશાના વિજિલન્સ ટીમને એક મોટી સફળતા મળી છે. કટક સર્કલ માઈન્સના ડેપ્યુટી ડિરેક્ટર દેવબ્રત મોહંતીના રહેણાંક સ્થળો પરથી અધધ 4 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે.વિજિલન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિભાગના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી રોકડ જપ્તી છે.
30 હજારની લાંચે 4 કરોડનો ભાંડો ફોડ્યો
આ સમગ્ર કાર્યવાહીની શરૂઆત મંગળવારે થઈ હતી, જ્યારે વિજિલન્સની ટીમે દેવબ્રત મોહંતીને એક કોલસા વિક્રેતા પાસેથી માત્ર 30,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. એક લાયસન્સ પ્રાપ્ત વિક્રેતા પાસેથી કામના બદલામાં આ રકમ લેવામાં આવી રહી હતી. જોકે, આ ધરપકડ તો માત્ર હિમશિલાની ટોચ સમાન હતી.
ધરપકડ બાદ પાંચથી વધુ સ્થળોએ એક સાથે પાડ્યા દરોડા
મોહંતીની ધરપકડ બાદ, અધિકારીઓએ તેમના ભુવનેશ્વર, ભદ્રક અને કટક સ્થિત પાંચથી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. ભુવનેશ્વરના પાટિયા વિસ્તારમાં આવેલા 'નેચર્સ ક્રેસ્ટ એપાર્ટમેન્ટ્સ'માં જ્યારે ટીમ પહોંચી, ત્યારે દ્રશ્યો જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. ફ્લેટમાં રહેલી ટ્રોલી બેગ અને કબાટમાં રોકડ રકમ સંતાડવામાં આવી હતી. એટલી મોટી માત્રામાં નોટો હતી કે તેની ગણતરી કરવા માટે મશીનો મંગાવવા પડ્યા હતા.
ભુવનેશ્વર ફ્લેટમાંથી આશરે ₹4 કરોડ મળ્યા
ભુવનેશ્વર ફ્લેટમાંથી આશરે ₹4 કરોડ અને ઓફિસના ડ્રોઅરમાંથી ₹1.20 લાખ. ભુવનેશ્વરના પહલા વિસ્તારમાં ૨,૪૦૦ ચોરસ ફૂટની આલિશાન બે માળની ઇમારત.તપાસ દરમિયાન આશરે 130 ગ્રામ સોનાના ઘરેણાં પણ મળી આવ્યા છે. ભદ્રકના માથાસાહીમાં પૈતૃક ઘર અને અન્ય ગુપ્ત રોકાણોની તપાસ ચાલુ છે.
હજુ પણ વધુ બેનામી મિલકતો અને કાળું નાણું બહાર આવી શકે તેમ
વિજિલન્સ વિભાગ હવે દેવબ્રત મોહંતીની આવકના સ્ત્રોત અને તેમણે અત્યાર સુધી કરેલા ભ્રષ્ટાચારની ઉંડી તપાસ કરી રહ્યું છે. તપાસનીશ અધિકારીઓને આશંકા છે કે હજુ પણ વધુ બેનામી મિલકતો અને કાળું નાણું બહાર આવી શકે છે. આ ઘટનાએ ઓડિશાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે અને ખાણ વિભાગમાં ચાલતા ગેરકાયદેસર વ્યવહારો પર અનેક સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચોઃ Pakistan: પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં આતંકી હુમલો, સુરક્ષાકર્મીઓ સહિત 11ના મોત