21 જૂન, 2026ના રોજ યોજાયેલી NEET UG ની પુનઃપરીક્ષા દરમિયાન મધ્યપ્રદેશના વિદિશાથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. થોડી મિનિટોના વિલંબને કારણે એક વિદ્યાર્થીનીને પરીક્ષા આપવાથી વંચિત રાખવામાં આવી, જેને પગલે તેના પિતાનું દુઃખ અને લાચારી જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી.
દીકરીનું સપનું પૂરૂં કરવા સંપત્તિ વેચી
આ વિદ્યાર્થીનીના પિતાએ પોતાની દીકરીને ડોક્ટર બનાવવાનું સપનું પૂરું કરવા માટે પોતાની મિલકત અને સંપત્તિ વેચી દીધી હતી. દીકરીએ પણ આ સપના માટે દિવસ-રાત એક કરીને અથાક મહેનત કરી હતી. 3 મેના રોજ જ્યારે પરીક્ષા લેવાઈ ત્યારે પેપર લીક અને ગેરરીતિઓને કારણે તે રદ કરવામાં આવી હતી. આ વખતે જ્યારે પુનઃપરીક્ષા લેવામાં આવી, ત્યારે સમયસર ન પહોંચી શકવાને કારણે તે દીકરીનું ભવિષ્ય જાણે અટકી ગયું.
આખી જમાપૂંજી ગઇ પરંતુ દીકરી પરીક્ષામાં ન બેસી શકી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પરીક્ષા કેન્દ્રના ગેટ બંધ થઈ ગયા બાદ પિતા લાંબા સમય સુધી હાથ જોડીને અધિકારીઓને વિનંતી કરતા રહ્યા. તેમણે ગેટ પર માથું પણ અથડાવ્યું અને ભાવુક થઈને કહ્યું કે, "જ્યારે પેપર લીક થયું હતું ત્યારે આ નિયમો ક્યાં હતા? ત્યારે અમારી મહેનત વેડફાઈ ગઈ અને આજે મિનિટોના વિલંબને કારણે દીકરીનું વર્ષ બરબાદ થઈ રહ્યું છે." પિતાનો આક્રોશ અને દીકરીનું રુદન એ વાતની સાક્ષી પૂરે છે કે એક વિદ્યાર્થી માટે પરીક્ષા માત્ર એક પેપર નથી, પરંતુ તેના પરિવારના વર્ષોના બલિદાન અને સપનાનો પડઘો છે. NTA ના કડક નિયમો મુજબ બપોરે ૧:૩૦ વાગ્યે ગેટ બંધ કરી દેવાયા હતા, અને કોઈપણ છૂટછાટ આપવામાં આવી ન હતી.
આ ઘટના અન્ય વિદ્યાર્થીઓ માટે ચેતવણી સમાન
આ ઘટના NEET જેવા ગંભીર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક મોટી ચેતવણી છે. આવી પરીક્ષાઓમાં એક-એક મિનિટનું મૂલ્ય હોય છે. ઉમેદવારોને વારંવાર સલાહ આપવામાં આવે છે કે પરીક્ષા શરૂ થવાના નિર્ધારિત સમય કરતા ઓછામાં ઓછા દોઢ-બે કલાક વહેલા કેન્દ્ર પર પહોંચી જવું જોઈએ, જેથી બાયોમેટ્રિક ચકાસણી અને અન્ય પ્રક્રિયાઓમાં વિલંબ ન થાય.આ દુઃખદ કિસ્સો સમાજ માટે એક પ્રશ્ન ઊભો કરે છે કે શું નિયમોની કઠોરતા અને માનવીય સંવેદના વચ્ચે કોઈ સંતુલન હોઈ શકે? એક પિતાની મહેનત અને દીકરીના સપનાઓ એક કમનસીબ વિલંબને કારણે સળગતા જોઈને કદાચ કોઈ પણ વ્યક્તિનું દિલ દ્રવી ઉઠે.
આ પણ વાંચોઃ Work from home કરી રહ્યા છો અને તણાવ દૂર કરવો છે? કરો માત્ર આ 5 ઉપાય