વર્તમાન સમયમાં 'વર્ક ફ્રોમ હોમ' (WFH) સંસ્કૃતિ એક સામાન્ય બાબત બની ગઈ છે. ઓફિસ આવવા-જવાની ઝંઝટ અને મુસાફરીનો સમય બચતો હોવાથી તે ઘણા કર્મચારીઓ માટે આરામદાયક લાગે છે, પરંતુ એક જ જગ્યાએ લાંબો સમય કેદ રહેવાથી અને કામના સતત દબાણને કારણે માનસિક તણાવ પણ વધ્યો છે. ઓનલાઇન મીટિંગ્સ, ઈમેઈલનો સતત મારો અને કામ તથા ઘરના વાતાવરણ વચ્ચેની રેખા ધૂંધળી થઈ જવાથી લોકો ઘણીવાર થાક અને ચિંતા અનુભવે છે. આ તણાવને ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે કેટલીક વ્યવહારુ ટિપ્સ અપનાવવી ખૂબ જરૂરી છે.
અલગ વર્કસ્પેસ બનાવો
સૌ પ્રથમ, ઘરમાં એક નિશ્ચિત અને અલગ 'વર્કસ્પેસ' બનાવો. ઘણીવાર આપણે પલંગ કે સોફા પર બેસીને કામ કરીએ છીએ, જે એકાગ્રતા ઘટાડે છે. એક એવી શાંત જગ્યા પસંદ કરો જ્યાં વિક્ષેપ ન હોય, જેથી તમે ઓફિસના કલાકો દરમિયાન પૂરી એકાગ્રતાથી કામ કરી શકો અને કામના કલાકો પૂર્ણ થતાં જ માનસિક રીતે કામથી અલગ થઈ શકો.
કામની વચ્ચે આરામ લો
બીજું, કામની વચ્ચે વિરામ લેવો ખૂબ જરૂરી છે. સતત સ્ક્રીન સામે બેસી રહેવાને બદલે દર એક કલાકે ૧૦-૧૫ મિનિટનો બ્રેક લો. આ સમય દરમિયાન મોબાઈલથી દૂર રહીને સ્ટ્રેચિંગ કરો અથવા થોડું ચાલો. તમે કોઈ મિત્ર કે સાથીદાર સાથે કેઝ્યુઅલ વાત પણ કરી શકો છો, જે માનસિક બોજ હળવો કરવામાં મદદ કરે છે.
ઉતાવળમાં કોઇ પણ કામ ન કરો
તમારા દિવસની શરૂઆત ઉતાવળમાં ન કરો. ઓફિસ જવાની ઉતાવળ ન હોવા છતાં, સમયસર કામ શરૂ કરવા માટે સવારે વહેલા ઉઠીને ખુલ્લી હવામાં સમય વિતાવો. થોડીવાર ઊંડા શ્વાસ લેવા, યોગ કે ધ્યાન કરવા અને પૌષ્ટિક નાસ્તો કરવાથી આખા દિવસ માટે ઉર્જા મળે છે. આ શિસ્તબદ્ધ દિનચર્યા તમને સુસ્તી અને માનસિક થાકમાંથી બચાવશે.
કામના કલાકો બાદ પ્રોફેશનલ વસ્તુઓથી દૂરી બનાવો
સૌથી મહત્વની વાત એ છે કે કામના કલાકો પૂરા થયા પછી પ્રોફેશનલ નોટિફિકેશનથી સંપૂર્ણ અંતર જાળવો. ઓફિસ સમય સિવાય ઈમેઈલ કે મેસેજ ચેક ન કરો, જેથી તમે પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકો. સપ્તાહાંત (Weekend) દરમિયાન પણ કામની ચિંતા ટાળો અને મોર્નિંગ વોક, સાયકલિંગ કે પ્રકૃતિ સાથે સમય વિતાવીને તમારી જાતને રિચાર્જ કરો.
'વ્યક્તિગત સમય' જરૂરી
યાદ રાખો, વર્ક ફ્રોમ હોમમાં તમારા 'વ્યક્તિગત સમય' (Me Time) ને પ્રાથમિકતા આપવી એ જ તણાવમુક્ત જીવનની ચાવી છે. જો તમે તમારી દિનચર્યામાં આ નાના ફેરફારો કરશો, તો ચોક્કસપણે તમે વધુ ખુશ અને ઉત્પાદક અનુભવશો.
આ પણ વાંચોઃ 100 લોકોને મફતમાં મળશે 37 લાખની SUV Jeep Wrangler, બસ શરત આટલી!