નેપાળના વડાપ્રધાન બાલેન શાહની ભારતની પ્રથમ રાજકીય મુલાકાત દરમિયાન વિદેશમંત્રી એસ. જયશંકરે રવિવારે નવી દિલ્હીમાં તેમની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ભારત અને નેપાળ વચ્ચેના ગાઢ સંબંધો તથા દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાના મુદ્દે ચર્ચા થઈ હતી. જયશંકરે જણાવ્યું હતું કે ભારત નેપાળ સાથેની પોતાની વિશેષ અને ગાઢ મિત્રતાને ખૂબ મહત્ત્વ આપે છે. એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે નવી દિલ્હીની મુલાકાતે આવેલા નેપાળના વડાપ્રધાન બાલેન શાહને મળીને આનંદ થયો.
ભારત-નેપાળની બહુપક્ષીય ભાગીદારી મજબૂત કરવા પર ભાર
તેમણે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાલેન શાહ વચ્ચે યોજાનારી બેઠક અંગે પણ ઉત્સુકતા વ્યક્ત કરી હતી.ભારતના વિદેશ મંત્રાલયે પણ બાલેન શાહની મુલાકાતને આવકારી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી બહુપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડશે.નેપાળના વિદેશ સચિવ અમૃત બહાદુર રાયે શુક્રવારે જણાવ્યું હતું કે બાલેન શાહ અને વડાપ્રધાન મોદી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે. આ દરમિયાન બંને દેશોને લગતા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
