સુપ્રીમ કોર્ટમાં લોકસભા અને વિધાનસભાની અનામત બેઠકોમાં ફેરફાર કરવાની માગ કરતી અરજીની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે હળવા અંદાજમાં ટિપ્પણી કરી હતી. તેમણે અરજદારને કહ્યું કે આ માટે કોર્ટમાં આવવાને બદલે તેઓ વિરોધ પ્રદર્શન કરી શકતા હતા. તેના જવાબમાં અરજદારના વકીલે પણ રમૂજી અંદાજમાં કહ્યું કે તેમનો વિરોધ પ્રદર્શન કરવાનો કોઈ ઇરાદો નથી અને અરજદારનું ગળું પણ ખરાબ છે.

1952થી કાદીપુર બેઠક એસસી માટે અનામત હોવાનો દાવો

આ મામલો ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાની 191 કાદીપુર વિધાનસભા બેઠક સાથે જોડાયેલો છે. આ બેઠક 1952થી અનુસૂચિત જાતિ માટે અનામત હોવાનો અરજદારનો દાવો છે. અરજીમાં જણાવાયું છે કે છેલ્લા સાત દાયકાથી આ બેઠક પર માત્ર અનુસૂચિત જાતિના ઉમેદવારો જ ચૂંટણી લડી શકે છે. તેના કારણે વિસ્તારના માત્ર 4થી 5 પરિવારોને જ રાજકીય લાભ મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજદારે બેઠકના અનામત દરજ્જામાં ફેરફાર કરવાની માગ કરી છે.

અનામત બેઠકોમાં રોટેશન સિસ્ટમ લાગુ કરવાની માગ

અરજદારે દલીલ કરી હતી કે અનામત બેઠકોમાં રોટેશન સિસ્ટમ લાગુ કરવામાં આવતી નથી, જેના કારણે બંધારણની કલમ 14, 15 અને 19નું ઉલ્લંઘન થાય છે. આ વ્યવસ્થાથી મતદારો પાસે ઉમેદવાર પસંદ કરવાના વિકલ્પો પણ મર્યાદિત થઈ જાય છે. અરજદારના મતે, નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં અનામત બેઠકો માટે રોટેશન સિસ્ટમ લાગુ છે, તો લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં પણ આવી જ વ્યવસ્થા હોવી જોઈએ.

જસ્ટિસ બાગચીએ અરજદારની દલીલ પર શું કહ્યું?

સુનાવણી દરમિયાન જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ કહ્યું કે અરજદારની દલીલ એવી ધારણા પર આધારિત છે કે બહુમતી સમુદાય જાતિના આધારે જ મતદાન કરશે, પરંતુ આવું જરૂરી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે લોકશાહીમાં મતદારો કોને પસંદ કરે તે નક્કી કરવાનું કામ અદાલતનું નથી. ઉમેદવાર કયા સમાજનો છે તેના આધારે મતદાનના અધિકાર પર અસર થતી નથી. કોઈપણ વ્યક્તિ અન્ય મતવિસ્તારમાંથી પણ ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે.

'અદાલત સંસદનું ત્રીજું ગૃહ બની શકે નહીં'

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રોટેશન સિસ્ટમ લાગુ હોવાની દલીલના જવાબમાં જસ્ટિસ બાગચીએ કહ્યું કે નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓનું બંધારણીય માળખું અલગ છે. અદાલત બંધારણીય જોગવાઈઓને ફરીથી લખી શકે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અદાલત સંસદના ત્રીજા ગૃહની ભૂમિકા ભજવી શકે નહીં. કાયદામાં ફેરફાર કરવાનું કામ વિધાનસભા અને સંસદનું છે.

CJI સૂર્યકાંતની રમૂજી ટિપ્પણીથી કોર્ટમાં હળવું વાતાવરણ

સુનાવણીની શરૂઆતમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે અરજદારને કહ્યું હતું કે, 'તમે ખોટો નંબર ડાયલ કરી રહ્યા છો. અત્યારે તો વિરોધ પ્રદર્શનનો સમય ચાલી રહ્યો છે. કદાચ તમારે પણ એવું જ કરવું જોઈએ.'આ ટિપ્પણીના જવાબમાં વકીલે કહ્યું કે તેમનો વિરોધ પ્રદર્શન કરવાનો કોઈ ઇરાદો નથી. આ સાથે અરજદારનું ગળું ખરાબ હોવાનું પણ જણાવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશે અંતે કહ્યું કે અરજદાર પોતાનો અવાજ ઉઠાવી શકે છે અને સંસદને આ મુદ્દા પર ફરી વિચારવાનો સમય આવી ગયો હોવાની દલીલ કરી શકે છે. જોકે, આ મુદ્દે નિર્ણય લેવાનું કામ માત્ર વિધાનસભા અને સંસદનું છે. 


આ પણ વાંચો :    Explainer : અમેરિકામાં ડેમોક્રેટ્સની સરસાઈથી ટ્રમ્પ સામે 5 મોટા પડકાર, ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો, ભારતને શું અસર ?