શંભુ-રાજપુરા રેલવે ટ્રેક બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ મોટી કાર્યવાહી કરી છે. અમેરિકાથી ભારત ડિપોર્ટ કરવામાં આવેલા ખાલિસ્તાની સમર્થક સુરિન્દર સિંહ ઉર્ફે ઠીકરીવાલની દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. સુરિન્દર સિંહ ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (કેઝેડએફ)નો સમર્થક હોવાનું જણાવાયું છે.
અમેરિકાથી ડિપોર્ટ થયા બાદ એરપોર્ટ પરથી ધરપકડ
સુરિન્દર સિંહ અમેરિકાથી ભારત ડિપોર્ટ થયા બાદ દિલ્હી એરપોર્ટ પહોંચ્યો હતો. અહીંથી એનઆઈએએ તેની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી શંભુ-રાજપુરા રેલવે ટ્રેક બ્લાસ્ટ કેસની તપાસના ભાગરૂપે કરવામાં આવી છે.
27 એપ્રિલે રેલવે ટ્રેક પર થયો હતો બ્લાસ્ટ
27 એપ્રિલ 2026ના રોજ શંભુ અને રાજપુરા વચ્ચે રેલવે ટ્રેક પર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાને લઈને એનઆઈએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સુરિન્દર સિંહની ભૂમિકા સામે આવી હોવાનો આરોપ છે.
ફેસબુક પર વીડિયો પોસ્ટ કરી બ્લાસ્ટને સમર્થન આપ્યાનો આરોપ
આરોપ છે કે બ્લાસ્ટ બાદ સુરિન્દર સિંહે ફેસબુક પર વીડિયો પોસ્ટ કરીને ઘટનાનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત બ્લાસ્ટના કાવતરામાં સામેલ આરોપીઓના સમર્થનમાં પણ તેણે વીડિયો બનાવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
કેસમાં અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ
શંભુ-રાજપુરા રેલવે ટ્રેક બ્લાસ્ટ કેસમાં એનઆઈએ અત્યાર સુધી કુલ 8 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. સુરિન્દર સિંહની ધરપકડ બાદ તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
વિદેશી સંપર્કો અને ફંડિંગની તપાસ
એનઆઈએ દ્વારા આ કેસમાં આતંકવાદી નેટવર્ક, વિદેશી સંપર્કો અને ફંડિંગ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરિન્દર સિંહના વિદેશી સંપર્કો અને બ્લાસ્ટ સાથેના જોડાણ અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Delhi Policeનું સુપ્રીમમાં સોગંદનામું, પત્રકારોને કામ કરતા રોક્યા નથી, રીલ બનાવનારાઓને કાયદામાંથી મુક્તિ નહીં