કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં ગ્રીન એનર્જી અને વૈકલ્પિક ઇંધણના વપરાશને લઈને એક નવું અને મહત્ત્વાકાંક્ષી સ્વપ્ન રજૂ કર્યું છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીની સુગમ પરિવહન સેવાના લોન્ચિંગ પ્રસંગે બોલતા તેમણે જાહેરાત કરી હતી કે આગામી ઓક્ટોબર મહિના સુધીમાં દેશમાં અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા ૧૦૦% ઇથેનોલથી ચાલતી કાર અને વાહનો લોન્ચ કરવામાં આવશે. આ વાહનો ફ્લેક્સ-એન્જિન ટેકનોલોજીથી સજ્જ હશે.

25 રૂપિયે પ્રતિ લીટર પેટ્રોલે ચાલશે વાહનો

નીતિન ગડકરીએ મોટો દાવો કરતા જણાવ્યું હતું કે જો કોઈ કાર 100% ઇથેનોલનો ઉપયોગ કરે છે, તો તેનો ઇંધણ ખર્ચ ઘટીને માત્ર 25 રૂપિયા પ્રતિ લિટર જેટલો જ આવશે, જે પરંપરાગત પેટ્રોલની સરખામણીમાં અત્યંત સસ્તો છે. તેમણે પોતાની વ્યક્તિગત ગાડીનું ઉદાહરણ આપતા કહ્યું કે તેમની પાસે ટોયોટા ઇનોવા કાર છે જે ૧૦૦% ઇથેનોલ પર ચાલે છે. દેશમાં હાલમાં 40 મિલિયન કાર અને 200 મિલિયન ટુ-વ્હીલર્સ ઉપલબ્ધ છે, ત્યારે જો આ તમામ વાહનો ઇથેનોલ તરફ વળે તો દેશને મોટોર્થિક લાભ થઈ શકે છે.

અનેક કંપનીઓ માર્કેટમાં લાવશે ઇથેનોલ સંચાલિત વાહન

મંત્રીએ જણાવ્યું હતું કે ટાટા, સુઝુકી, ટોયોટા અને મહિન્દ્રા જેવી અદ્યતન કંપનીઓ ટૂંક સમયમાં જ 100% ઇથેનોલ સંચાલિત વાહનો બજારમાં મૂકવા જઈ રહી છે. આ પગલાથી ભારતની આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટશે અને અંદાજે ૨૨ લાખ કરોડ રૂપિયાના વિદેશી ભંડોળની બચત થશે, જે સીધી રીતે દેશના ગામડાઓ, ખેડૂતો અને મજૂરોને આર્થિક રીતે સશક્ત બનાવશે. અમેરિકા અને જર્મની સહિતના ૧૯ દેશોમાં પહેલેથી જ ઇથેનોલ નીતિઓ સફળતાપૂર્વક અમલમાં છે.

આર્થિક સ્થિતિ મજબૂત કરવા પર ભાર 

ઇલેક્ટ્રિક વાહનો અને ટ્રેક્ટર્સનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર્સના ઉપયોગથી તેમનું પોતાનું ઇંધણ બિલ શૂન્ય થઈ ગયું છે. સરકારના આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પગલાંથી માત્ર પર્યાવરણનું રક્ષણ જ નહીં થાય પરંતુ દેશના નાગરિકો અને ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ વધુ મજબૂત બનશે.

આ પણ વાંચોઃ LIVE PM Modi Man Ki Baat: પીએમનો દેશ વાસીઓ સાથે સીધો સંવાદ, કહ્યું કે આતંક વિરુદ્ધ ઝીરો ટોલરન્સ પોલિસી