ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં લગ્ન સમારોહ દરમિયાન થયેલી એક ચોરીએ બધાને ચોંકાવી દીધા છે. ચોગનપુર ગામમાં આવેલા ગોલ્ડન ડ્રીમ ફાર્મહાઉસમાં એક ડૉક્ટરની પુત્રીના ભવ્ય લગ્ન ચાલી રહ્યા હતા. ફાર્મહાઉસમાં શહેનાઈ વાગી રહી હતી, મહેમાનો ભોજનનો આનંદ માણી રહ્યા હતા અને પરિવારજનો લગ્નવિધિઓમાં વ્યસ્ત હતા. આ ભીડ અને ઉત્સાહનો લાભ લઈને બે અજાણ્યા યુવાનો લગ્નમાં મહેમાન બનીને અંદર આવ્યા. બંનેએ સૂટ અને બુટ પહેરેલા હતા, જેના કારણે કોઈને તેમના પર શંકા ન થઈ. તેઓ સંપૂર્ણ રીતે લગ્નના મહેમાનો જેવા જ લાગી રહ્યા હતા.
₹50 લાખના દાગીના ભરેલી બેગ નિશાન પર
લગ્ન દરમિયાન કન્યાના પરિવારની દાગીનાવાળી બેગ એક જગ્યાએ રાખવામાં આવી હતી. બેગમાં અંદાજે ₹50 લાખના સોનાના અને હીરાના દાગીના હતા. લગ્નની વિધિઓ અને મહેમાનોની ભીડ વચ્ચે ચોરોએ તક જોઈ અને ખૂબ જ સરળતાથી બેગ ઉપાડી લીધી. CCTV ફૂટેજ મુજબ, બંને ચોરો કોઈ ઉતાવળ વિના ફાર્મહાઉસમાંથી બહાર નીકળી ગયા. તેમની ચાલ અને આત્મવિશ્વાસ જોઈને એવું લાગે છે કે તેઓ પહેલેથી પ્લાનિંગ કરીને આવ્યા હતા.
વિદાય સમયે ખુલાસો, લગ્નનો આનંદ ફિક્કો
જ્યારે લગ્નવિધિઓ પૂર્ણ થઈ અને કન્યાની વિદાયનો સમય આવ્યો, ત્યારે પિતાએ દાગીનાવાળી બેગ શોધવાની શરૂઆત કરી. બેગ ન મળતાં પરિવારજનો અને સંબંધીઓએ સમગ્ર ફાર્મહાઉસમાં શોધખોળ કરી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ત્યારબાદ તાત્કાલિક ફાર્મહાઉસના CCTV કેમેરાની તપાસ કરવામાં આવી. ફૂટેજ જોતા જ સમગ્ર મામલો સ્પષ્ટ થયો કે બે યુવાનો બેગ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના સામે આવતા લગ્નનમાં આવેલા તમામ લોકો ચોંકી ગયા હતા
પોલીસ તપાસમાં લાગી, ફરિયાદની પ્રક્રિયા ચાલુ
ઇકોટેક થર્ડ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે ઘટના મોડી રાત્રે બની હતી. CCTV ફૂટેજના આધારે શંકાસ્પદોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ પીડિત પરિવાર તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ ફાર્મહાઉસ મેનેજમેન્ટે અજાણ્યા ચોરો સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે પીડિત પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. અધિકારીઓને આશા છે કે ટૂંક સમયમાં ચોરોને પકડી લેવામાં આવશે.
આ પણ વાંચો : AAP leader : ગુરુદ્વારા બહાર ગોળીબાર! AAP નેતા લકી ઓબેરોયની જાલંધરમાં હત્યા