દર મહિનાની પહેલી તારીખ પોતાના સાથે કેટલાક નવા ફેરફારો અને પડકારો લઈને આવે છે. આ વખતે 1 ઓક્ટોબર, 2026 થી સામાન્ય માણસના ખિસ્સા, રસોડા અને બેંક ખાતાને સીધી અસર કરતા છ મહત્વપૂર્ણ નિયમોમાં મોટા બદલાવ કરવામાં આવ્યા છે. આ ફેરફારો તમારા ઘરના માસિક બજેટથી લઈને ખરીદીના ખર્ચ સુધીની દરેક બાબતને પ્રભાવિત કરશે.

એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર

સૌથી પહેલો મોટો ફેરફાર એલપીજી સિલિન્ડરની કિંમતોમાં થયો છે. આજથી 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે, જેના કારણે દિલ્હીમાં તેની કિંમત વધીને 2,810 રૂપિયા થઈ ગઈ છે. આ વધારાથી હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાપારી એકમોના ખર્ચમાં વધારો થશે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોગ્રામના ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ફિક્સ્ડ ડિપોઝિટના નિયમોમાં બદલાવ

બીજો મહત્વપૂર્ણ ફેરફાર ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના નિયમોમાં છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ની માર્ગદર્શિકા મુજબ બલ્ક એફડી પરની મર્યાદા અને વ્યાજ દરોમાં સુધારો કરાયો છે, જે મોટી બચત રોકાણકારોને અસર કરશે. આ સિવાય, તહેવારોની મોસમમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પણ મોંઘી થઈ છે. ઇનપુટ કોસ્ટ અને કસ્ટમ ડ્યુટીમાં ફેરફારના કારણે એસી, ટીવી સહિતના ઉપકરણો મોંઘા થયા છે, જેમાં એલજી (LG) એર કંડિશનરના ભાવમાં 5 થી 7 ટકાનો વધારો થયો છે.

વાણિજ્યિક વાહનોના ભાવમાં 1 ટકાનો વધારો

ચોથા ફેરફાર તરીકે, ટાટા મોટર્સે તેના તમામ વાણિજ્યિક વાહનોના ભાવમાં 1 ટકાનો વધારો કર્યો છે, જેથી નવા વાહનો ખરીદવા મોંઘા પડશે. પાંચમો ફેરફાર SBI ATM વ્યવહારો સાથે જોડાયેલો છે, જેમાં મફત મર્યાદાથી વધુ ઉપયોગ કરવા પર લાગુ પડતા સેવા ચાર્જ અને નિયમોમાં ફેરફાર કરાયા છે.

 ઇ-કેવાયસી (e-KYC) ફરજિયાત અને કડક

છેલ્લે, એલપીજી સબસિડી મેળવતા ગ્રાહકો માટે બાયોમેટ્રિક આધાર વેરિફિકેશન એટલે કે ઇ-કેવાયસી (e-KYC) ફરજિયાત અને કડક બનાવવામાં આવ્યું છે. જે ગ્રાહકો આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તેમને સબસિડીનો લાભ ગુમાવવો પડી શકે છે. આ તમામ ફેરફારો ધ્યાનમાં રાખીને નાગરિકોએ પોતાના નાણાકીય આયોજનમાં સાવચેતી રાખવી જરૂરી છે.

આ પણ વાંચોઃ "તમે હીરો છો, મેડલને લાયક છો" કોકપીટમાં ઘૂસીને હુમલાવરને કાબુમાં લેનાર ઇઝરાયલી હીરોને મળ્યા PM નેતન્યાહૂ