દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સર્જાયેલી લોહિયાળ અને ડરામણી ઘટના દરમિયાન પોતાની અદમ્ય બહાદુરી અને સમયસૂચકતા દાખવીને સેંકડો લોકોના જીવ બચાવનાર ઇઝરાયલી મુસાફર યાનિવ હાયુનની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે. તાજેતરમાં જ બેન-ગુરિયન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ખુદ આ બહાદુરી મુસાફરને મળવા પહોંચ્યા હતા અને તેમની પ્રશંસા કરતાં તેમની પીઠ થપથપાવી હતી.

ઘટનાની વિગતો મુજબ, ફ્લાઇટ ઉડાન પર હતી ત્યારે કોકપીટમાં સહ-પાઇલટે મુખ્ય ભારતીય પાયલટ સ્મિત માચ્છર પર અચાનક છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ગંભીર કટોકટી અને અરાજકતા વચ્ચે ઇઝરાયલી મુસાફર યાનિવે જરાય ડર્યા વગર ત્વરિત પગલું ભર્યું હતું. તેમણે હિંમતભેર કોકપીટનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને હુમલો કરી રહેલા કો-પાઇલટને તેની સીટ પરથી ખેંચીને પાછળ ફેંકી દીધો હતો. ત્યારબાદ અન્ય મુસાફરોની મદદથી હુમલાખોર પર સફળતાપૂર્વક કાબુ મેળવવામાં આવ્યો હતો.

નેતન્યાહૂએ રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા

આ અસાધારણ સાહસની નોંધ લેતા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યાનિવ હાયુનને રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા હતા. નેતન્યાહૂએ પ્રશંસા કરતા કહ્યું, "તમે એક સાચા હીરો છો, અને આ બહાદુરી માટે તમે 'ગ્લોબલ મેડલ ઓફ ઓનર' મેળવવાને લાયક છો." વડા પ્રધાને યાનિવ અને તેમના પરિવાર સાથે ઉષ્માસભર મુલાકાત કરી હતી તથા તેમની હિંમતને બિરદાવી હતી.
https://twitter.com/GuyAz/status/2105351741591949409

ડોનાલ્ડ ટ્રમ્પે પણ કર્યા વખાણ

માત્ર ઇઝરાયલ જ નહીં, પરંતુ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ સાહસિક મુસાફરની ભૂમિકાના મુક્તકંઠે વખાણ કર્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે ક્યારેય વિમાન ન ઉડાડનાર આ મુસાફરે જે અદ્ભુત પરિસ્થિતિ સંભાળી અને હુમલાખોરને કાબુમાં લીધો, તે ખરેખર પ્રશંસનીય હતું.

પાયલટ અને મુસાફરે બતાવી બહાદુરી

ભારતીય પાયલટ સ્મિત માચ્છરની સાથે-સાથે ઇઝરાયલી મુસાફર યાનિવ હાયુનની આ બહાદુરીએ સાબિત કરી દીધું કે મુશ્કેલ સમયમાં માનવતા અને સાહસ જ મોટી દુર્ઘટનાઓને અટકાવી શકે છે. યાનિવનું આ સાહસ આજરોજ સમગ્ર વિશ્વમાં પ્રેરણારૂપ બની ગયું છે.

આ પણ વાંચોઃ Afghanistan: વહેલી સવારે અફઘાનિસ્તાનની ધરા ધ્રૂજી, 5.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા