ગુરુવારે વહેલી સવારે અફઘાનિસ્તાનની ધરતી અચાનક ધ્રૂજી ઉઠતાં લોકોમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૩ નોંધાઈ હતી. ભારતીય સમય અનુસાર સવારે બરાબર ૬:૫૯ વાગ્યે આ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે ઊંઘમાંથી જાગી ગયેલા લોકો ડરના માર્યા પોતાના ઘરો અને ઇમારતો છોડીને સુરક્ષિત જગ્યાઓ માટે રસ્તાઓ પર દોડી આવ્યા હતા.

10 કિલોમીટરની ઊંડાઈએ કેન્દ્ર

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર જમીનની સપાટીથી ખૂબ જ ઓછી એટલે કે માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ પ્રકારના છીછરા (Shallow) ભૂકંપ પૃથ્વીની સપાટીની ખૂબ નજીક હોવાના કારણે તેના આંચકા આસપાસના વિસ્તારોમાં વધુ તીવ્રતાથી અનુભવાતા હોય છે. આ ભૂકંપનું ભૌગોલિક કેન્દ્ર 36.05 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 68.87 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હોવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ડરના માર્યા લોકો ઘરની બહાર દોડી આવ્યા

સવારે અચાનક આવેલા આ તીવ્ર આંચકાને કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે દહેશત જોવા મળી હતી. લોકો પોતાના પરિવાર સાથે ખુલ્લા આકાશ નીચે અને શેરીઓમાં એકઠા થઈ ગયા હતા. જોકે, રાહતની વાત એ છે કે પ્રારંભિક અહેવાલો અને સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર આ કુદરતી આપત્તિમાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ કે મોટી સંપત્તિને નુકસાન થયાના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.

પરિસ્થિતિ પર રખાઇ રહી છે નજર 

અધિકારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અફઘાનિસ્તાન ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ક્ષેત્ર માનવામાં આવે છે, જ્યાં અગાઉ પણ આવા શક્તિશાળી આંચકાઓ આવતા રહ્યા છે. વહેલી સવારની આ ઘટનાએ ફરી એકવાર લોકોમાં કુદરતી આપત્તિઓ સામેની સાવચેતીની યાદ અપાવી દીધી છે, પરંતુ સદ્ભાગ્યે કોઈ જ નુકસાન ન થવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચોઃ Flight Hijack: "સ્મિત માચ્છર, તમે સાચા હીરો છો!" PM મોદી સહિત ટ્રમ્પ અને નેતન્યાહૂએ ભારતીય પાયલટની બહાદુરીને કરી સલામ