ઉત્તરાખંડના પિથોરાગઢમાં આશરે 6,000 મીટરની ઉંચાઇએ આવેલા પ્રસિદ્ધ ઓમ પર્વત ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ પર્વત પર કુદરકી રીતે બરફના થર જામવાથી ઓમ આકાર રચાય છે, જે ધાર્મિક અને પર્યટનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ તાજેતરમાં જ આ પર્વત પરથી બરફનું આ આવરણ ઘટવાને કારણે પવિત્ર ઓમ પ્રતીક ઝાંખો પડી ગયો છે. આ પહેલા વર્ષ 2024માં પણ આવી જ ઘટના બની હતી જેમાં ઓમ પ્રતીક થોડાં સમય માટે અસ્પષ્ટ થઇ ગયુ હતુ. 

નિષ્ણાંત અને પર્યવરણવિદોએ ચિંતા વ્યક્ત કરી 

આ ઘટના પાછળ પર્યાવરણવિદો અને નિષ્ણાતોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોના મતે, હિમાલયના ઉપરના વિસ્તારોમાં શિયાળા દરમિયાન હિમવર્ષા ઘટવી, ચોમાસા પહેલાના વરસાદમાં ઘટાડો અને સતત વધતું વૈશ્વિક તાપમાન આનું મુખ્ય કારણ છે. ગ્લોબલ વોર્મિંગની અસર હવે હિમાલયના ઊંચા શિખરો પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે, જેના કારણે મોસમી બરફ ટકી શકતો નથી. વાહન પ્રદૂષણ અને માનવ ગતિવિધિઓ પણ આ પર્યાવરણીય દબાણમાં વધારો કરી રહી છે.

હવામાન અને બદલાતા પ્રકૃતિનો પ્રકોપ

જોકે, માત્ર એક ઘટનાને સીધી રીતે ગ્લોબલ વોર્મિંગ સાથે જોડવી વૈજ્ઞાનિક રીતે પૂરતી નથી, પરંતુ સ્થાનિક હવામાન અને બદલાતા પ્રકૃતિના પ્રકોપને નકારી શકાય તેમ નથી. ગત વર્ષે બરફવર્ષા થયા બાદ ઓમ આકાર ફરીથી સ્પષ્ટ થયો હતો, પરંતુ આ પ્રકારે વારંવાર બરફ ગાયબ થવો એ હિમાલયના નાજુક પર્યાવરણ માટે ખતરાની ઘંટી સમાન છે.

શું આ ખતરો કે પછી મનુષ્યની બેદરકારી?

આ પરિવર્તન માત્ર આ પર્વતની પ્રાકૃતિક સુંદરતાને જ અસર કરતું નથી, પરંતુ ભવિષ્યમાં હિમાલયના હિમનદીઓ અને પાણીના મહત્વપૂર્ણ સ્ત્રોતો માટે પણ મોટું સંકટ બની શકે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પર્યાવરણના અભ્યાસ અને રક્ષણ માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે, જેથી હિમાલયની પવિત્રતા અને કુદરતી સંતુલન જળવાઈ રહે.

આ પણ વાંચોઃ Israelનો સીરિયન એરબેઝ પર હવાઈ હુમલો,અબુ અલ-દુહુરનો રનવે ધ્વસ્ત