18 ઓગસ્ટની રાત્રે સીરિયાના ઉત્તરપશ્ચિમ ઇદલિબ પ્રાંતમાં આવેલા અબુ અલ-દુહુર લશ્કરી એરબેઝ પર ચાર ભીષણ હવાઈ હુમલા થયા હતા. સ્થાનિક અહેવાલો મુજબ, આ હુમલાઓમાં એરબેઝના મુખ્ય રનવેને નિશાન બનાવવામાં આવ્યો હતો અને ઘટનાસ્થળે આગની જ્વાળાઓ જોવા મળી હતી.

એરબેઝના રનવેને નિશાન બનાવ્યું

મળતી માહિતી પ્રમાણે આ હુમલાઓ ઇઝરાયલી લડાકુ વિમાનો દ્વારા કરવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, ઇઝરાયલ, તુર્કી કે નવી સીરિયન સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, જેથી સ્વતંત્ર પુષ્ટિ બાકી છે.અબુ અલ-દુહુર એરબેઝ સીરિયાના ગૃહયુદ્ધ દરમિયાન હંમેશાં સંઘર્ષનું કેન્દ્ર રહ્યું છે. ડિસેમ્બર 2024માં અસદ શાસનના પતન બાદ આ બેઝ પર બળવાખોર જૂથોનું નિયંત્રણ આવ્યું હતું.

ઇઝરાયલ આ કારણે છે ચિંતામાં

હાલમાં આ બેઝ સીરિયાની નવી અને મર્યાદિત વાયુસેનાના તાબામાં છે. તેમાં સોવિયેત યુગના જૂના Su-22 ફાઇટર-બોમ્બર્સ અને હેલિકોપ્ટરો છે. તાજેતરમાં આ વિમાનો દ્વારા ઉડાનો ભરવાના અહેવાલોથી ઇઝરાયલમાં ચિંતા વધી હતી.ઇઝરાયલ લાંબા સમયથી સીરિયામાં કોઈપણ લશ્કરી ક્ષમતાઓના વિકાસને અટકાવવાની નીતિ ધરાવે છે. આ હુમલો વિમાનોને ઉડાન ભરતા અટકાવીને બેઝની કાર્યકારી ક્ષમતાઓને મર્યાદિત કરવાના હેતુથી કરાયો હોવાનું મનાય છે.

ઘટના બાદ તણાવ વધશે

આ ઘટના મધ્ય પૂર્વની નાજુક સુરક્ષા સ્થિતિને વધુ તણાવપૂર્ણ બનાવી શકે છે. તુર્કીની સંભવિત હાજરી આ મામલાને વધુ જટિલ બનાવી રહી છે.હાલમાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી અને નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન ઉપલબ્ધ નથી. સેટેલાઇટ છબીઓ અને સત્તાવાર નિવેદનો આવ્યા બાદ જ સંપૂર્ણ સ્થિતિ સ્પષ્ટ થશે.

આ પણ વાંચોઃ Iranને લઈને ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, પરમાણુ હથિયાર પર આપી કડક ચેતવણી