આજે સંસદના ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ છે. લોકસભા અને રાજ્ય સભામાં આજે પણ વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવ્યો. પરિણામે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સાંસદોના આવા વર્તનથી લોકસભા સ્પીકર ગુસ્સે ભરાયા હતા. આવો જાણીએ તેમણે શું કહ્યું.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સાંસદનો ખખડાવતા કહ્યું કે તમે રોડ રસ્તા પર વર્તન કરી રહ્યા હોવ તેવો વ્યવહાર તમે સંસદમાં કરી રહ્યા છો. તેમણે કહ્યું કે જે લોકો પ્લેકાર્ડ લઈને ગૃહમાં આવે છે તેમની સામે મારે નિર્ણાયક કાર્યવાહી કરવી પડશે. તમને જણાવી દઈએ કે વિપક્ષ દ્વારા સતત ત્રણ દિવસ સુધી કરવામાં આવેલા હંગામાને કારણે લોકસભા સ્થગિત કરવી પડી છે. સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થઈ ગયું છે.
ગૃહમાં બિહારમાં રેલ્વે પ્રોજેક્ટ્સ વિષય પર ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર હોબાળો મચાવ્યો. ત્યારે લોકસભા સ્પીકર ગુસ્સે ભરાઇને કહ્યું કે સંસદ આપણા ગૌરવશાળી લોકશાહીની સર્વોચ્ચ સંસ્થા છે. હું સાંસદો પાસેથી અપેક્ષા રાખું છું કે સંસદની અંદર તમારુ વર્તન, કાર્યપદ્ધતિ યોગ્ય હોવી જોઇએ. સાથે જ એમ પણ જણાવ્યું કે દેશના લોકોએ તમને અહીં તેમનો અવાજ રજૂ કરવા, તેમની મુશ્કેલીઓ અને અપેક્ષાને રજૂ કરવા મોકલ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે તમે જે વ્યવહાર કરી રહ્યા છો તેવો વ્યવહાર તો રોડ રસ્તા પર જોવા મળે છે. તમે સંસદમાં છો તમને આખો દેશ જોવે છે. તમે સદનમાં આવો, બેસો અને ચર્ચા કરો. તમારો આ વ્યવહાર યોગ્ય નથી નહીં તો મારે કોઇ નિર્ણાયક કાર્યવાહી કરવી પડશે.
ઉલ્લેખનીય છે કે 21 જુલાઇથી સંસદ સત્ર શરૂ થયુ ત્યારથી લઇને આજે પણ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે. પહેલા દિવસે પહલગામ આતંકી હુમલાને લઇને હોબાળો કર્યો. જ્યારે બીજા દિવસે મતદાતા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને લઇને હોબાળો થયો. સંસદની અંદર અને બહાર પણ આ હોબાળો જોવા મળ્યો. SIRને લઇને ભારે નારેબાજી અને હોબાળો કરવા લાગ્યા જેથી સદનની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.