કોકરોચ જનતા પાર્ટીના સહ-સંયોજક સૌરવ દાસને પાસપોર્ટ સંબંધિત મામલે ચેન્નઈની પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસે નોટિસ ફટકારી છે.પાસપોર્ટમાં દર્શાવેલા તેમના જન્મસ્થળ અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે.આ માટે તેમને સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બુધવારે આ અંગે માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે,સૌરવ દાસને જવાબ ન આપે ત્યાં સુધી પોતાના પાસપોર્ટનો ઉપયોગ નહીં કરવાની સલાહ પણ આપવામાં આવી છે.

તમામ વિગતો સાચી આપવી જરૂરી છે

રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર,પાસપોર્ટ ઓફિસે 23 નવેમ્બરે આ નોટિસ જારી કરી હતી.કાયદાનો અમલ કરતી એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે તમામ વિગતો સાચી આપવી જરૂરી છે.જો કોઈ વ્યક્તિએ માહિતી છુપાવી હોય અથવા ખોટી વિગતો આપી હોવાની શંકા જણાય તો પાસપોર્ટ ઓફિસ દ્વારા તેની પાસે ખુલાસો માગવામાં આવી શકે છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સાવર દાસના જન્મસ્થળ અંગે પાસપોર્ટ ઓફિસે સ્પષ્ટતા માગી છે. તેમને આ અંગે જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. અધિકારીઓને મળેલી માહિતીના આધારે આ નોટિસ આપવામાં આવી છે.

ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને જાણ કરી હતી 

ઉલ્લેખનીય છે કે સૌરવ દાસે અગાઉ દાવો કર્યો હતો કે તેમને દિલ્હી એરપોર્ટ પર લંડન જતી ફ્લાઇટમાં સવાર થતાં અટકાવવામાં આવ્યા હતા.તેઓ રાત્રે 1 વાગ્યાની ફ્લાઇટમાં બ્રિટન જવાના હતા.તેમના જણાવ્યા મુજબ ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને જાણ કરી હતી કે તેમનો પાસપોર્ટ ફ્લેગ કરવામાં આવ્યો છે.સૌરવ દાસ બ્રિટનમાં કોકરોચ મૂવમેન્ટ વિષય પર યોજાનારી પેનલ ચર્ચામાં ભાગ લેવા જઈ રહ્યા હતા.આ કાર્યક્રમનું આયોજન ઓક્સફર્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા કરવામાં આવ્યું હતું.દિલ્હી એરપોર્ટ પર પોતાની વિદેશ યાત્રા અટકાવવામાં આવતાં સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને મોદી સરકાર પર આરોપ લગાવ્યા હતા. 

વિદેશમાં પોતાનો પક્ષ રજૂ કરતાં રોકવા માગે છે

તેમણે દાવો કર્યો હતો કે સરકાર તેમને વિદેશમાં પોતાનો પક્ષ રજૂ કરતાં રોકવા માગે છે.તેમના જણાવ્યા અનુસાર,ઓક્સફર્ડ ઉપરાંત કેમ્બ્રિજ યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને એડિનબર્ગમાં પણ તેમને વક્તવ્ય આપવા માટે આમંત્રણ મળ્યું હતું.સૌરવ દાસે કહ્યું હતું કે આ ઘટનાથી તેમના કામ પર કોઈ અસર નહીં પડે અને તેઓ ભવિષ્યમાં પણ વિદેશ પ્રવાસ કરતા રહેશે.CJPના સ્થાપક અભિજિત દીપકેએ પણ આ મામલે સરકારની ટીકા કરી હતી.તેમણે આરોપ લગાવ્યો હતો કે સત્તામાં બેઠેલી કોઈ વ્યક્તિને સૌરવ દાસને ઓક્સફર્ડમાં બોલવા માટે મળેલું આમંત્રણ પસંદ આવ્યું નથી. તેઓ આ ઘટનાથી પાછળ નહીં હટે અને પોતાનું કામ ચાલુ રાખશે.હવે પાસપોર્ટ ઓફિસની નોટિસ બાદ તેમના જન્મસ્થળ અંગેના ખુલાસા પર સૌની નજર રહેશે.

આ પણ વાંચોઃ Rajkot News : જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા ખર્ચ કાંડમાં 1 અધિકારી સસ્પેન્ડ, બે સામે ખાતાકિય તપાસના આદેશ