સુપ્રીમ કોર્ટે મહિલાઓની પેડ પીરિયડ લીવની અરજી ફગાવી. આજે શુક્રવાર 13 માર્ચના રોજ સુપ્રમી કોર્ટે માસિક સ્રાવની સમસ્યાઓના કારણે મહિલા કર્મચારીઓને રજા આપવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે કોર્ટે જણાવ્યું કે પેડ પીરિયડ લીવથી મહિલાઓને જ નુકસાન થવાની સંભાવના છે. મહિલાઓ માટે જો માસિક સ્રાવની રજા ફરજિયાત બનાવવામાં આવે, તો કોઈ પણ તેમને નોકરી પર રાખવા માંગશે નહીં. આમ, પેડ પીરિયડ લીવ મહિલાઓના રોજગાર પર અસર કરી શકે છે.
આ પ્રકારની અરજીઓ સમાજમાં ભય ફેલાવે છે, CJI
કોર્ટે એમ પણ કહ્યું કે અરજદારે સરકારને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. તે તમામ સંબંધિત સરકારો અને સંસ્થાઓ સાથે આ અંગે ચર્ચા કરી શકે છે અને કેટલીક વ્યવસ્થા કરી શકે છે. લાઈવ લોના અહેવાલ મુજબ, મહિલાઓની પેડ પીરિયડ લીવ કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલ બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. CJI સૂર્યકાંતે કહ્યું કે આ પ્રકારની અરજીઓ સમાજમાં ભય ફેલાવે છે. આ અરજીઓ મહિલાઓને નબળા તરીકે દર્શાવે છે. તેમજ માસિક સ્રાવ સમયે તેમની સાથે ખરાબ ઘટના થાય છે તેવું દર્શાવે છે.
કેરળમાં મહિલાઓને પેડ લીવ આપવાની શરૂઆત
કેસની સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે અરજદારને કહ્યું, "તમને ખબર નથી કે આ બાબત કાર્યસ્થળમાં મહિલાઓના વિકાસ અને પરિપક્વતા અંગે કેવા પ્રકારની માનસિકતા છે તે દર્શાવે છે. ત્યારે અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ એમ.આર. શમશાદે દલીલ કરી કે કેરળ સરકાર દ્વારા શાળાઓમાં આ પ્રકારની વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે. અને ફકત શાળા જ નહીં ઘણી ખાનગી કંપનીઓ પણ સ્વેચ્છાએ આવું કરી રહી છે.
સંસ્થાઓ મહિલાઓને પેડ લીવ આપે તે સારી બાબત
આ દલીલનો જવાબ આપતા, સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું, "જો કોઈ કંપની સ્વેચ્છાએ આ કરી રહી છે, તો તે ખૂબ સારી વાત છે. પરંતુ જો તમે તેને કાયદામાં સમાવીને ફરજિયાત બનાવશો, તો કોઈ પણ મહિલાઓને નોકરી પર રાખશે નહીં, કોઈ તેમને ન્યાયતંત્રમાં કે સરકારી નોકરીઓમાં નોકરી આપશે નહીં. તેમની કારકિર્દી ખતમ થઈ જશે. સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ જોયમલ્યા બાગચીએ અરજી પર ટિપ્પણી કરતા કહ્યું, "આ એક સારો વિચાર છે, પરંતુ જે નોકરીદાતાઓને પેઇડ રજા આપવાનું કહેવામાં આવશે તેમને ધ્યાનમાં લો.
પેડ લીવ બાબતે વહીવટીતંત્રને કરી રજૂઆત
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અરજદારે વહીવટીતંત્રને રજૂઆત રજૂ કરી છે અને જરૂરી બધું કર્યું છે. અરજદારને આદેશના રિટ માટે કોર્ટમાં પાછા ફરવાની જરૂર નથી. કોર્ટે જણાવ્યું હતું કે, "અમે અધિકારીઓને રજૂઆત પર વિચાર કરવા અને હિસ્સેદારો સાથે પરામર્શ કરીને ડ્રાફ્ટ નીતિ વિકસાવવાનો નિર્દેશ આપીએ છીએ. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નીતિ વિષયક બાબત છે, તેથી કેન્દ્ર સરકારે આ અંગે નિર્ણય લેવો જોઈએ. કોર્ટે એવી ચિંતા વ્યક્ત કરી હતી કે ફરજિયાત રજા આપવાથી એમ્પ્લોયર્સ મહિલાઓને કામ પર લેવાનું ટાળી શકે છે.
આ પણ વાંચો : LPG Crisis : અફવા પર ધ્યાન ન આપો, દેશમાં પેટ્રોલ ડીઝલની અછત નથી, પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન