ઓમાનના અખાતમાંથી એક અત્યંત ગંભીર અને ડરામણી ઘટના સામે આવી છે, જેમાં એમટી મેરિવેક્સ (MT Merivex) નામના ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલો થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલા સમયે જહાજ પર સવાર તમામ ૨૪ ભારતીય ક્રૂ સભ્યોએ ભયભીત થઈને મદદ માટે SOS કોલ કર્યો હતો. ઓડિયોમાં ક્રૂ સભ્યની ચીસો સ્પષ્ટ સાંભળી શકાતી હતી, જે વારંવાર કહી રહ્યો હતો કે, "એન્જિન રૂમમાં હુમલો થયો છે, જહાજ ડૂબી રહ્યું છે, કૃપા કરીને મદદ કરો."
જહાજ ઈરાની બંદર તરફ આગળ વધતા રોકવા કર્યો હુમલો
અહેવાલો અનુસાર, અમેરિકી સૈન્ય (સેન્ટકોમ) એ દાવો કર્યો છે કે જહાજ ઈરાની બંદર તરફ આગળ વધી રહ્યું હતું, જેને રોકવા માટે તેમણે પ્રિસિઝન ગાઈડેડ મ્યુનિશન્સનો ઉપયોગ કરીને તેના એન્જિન અને નેવિગેશન સિસ્ટમને નિશાન બનાવી હતી. આ હુમલાને કારણે જહાજના એન્જિન રૂમમાં ભારે નુકસાન થયું હતું અને જહાજમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું, જે એક મોટી હોનારતનું સંકેત હતું.
ભારતીય દરિયાઈ અધિકારીઓ તરત એલર્ટ મોડ પર આવ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ સ્થિત મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) અને ભારતીય દરિયાઈ અધિકારીઓ તુરંત એલર્ટ મોડ પર આવી ગયા હતા. પરિસ્થિતિની તાત્કાલિકતા જોઈને ઓમાનની રોયલ એરફોર્સે માનવીય અભિગમ અપનાવ્યો હતો. મસીરાહ ટાપુથી હેલિકોપ્ટર મોકલીને એક વિશેષ બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સદનસીબે, તમામ ૨૪ ભારતીય ખલાસીઓને સમયસર બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
એક અઠવાડિયામાં બની ત્રીજી વાર ઘટના
છેલ્લા એક અઠવાડિયામાં આ ત્રીજી મોટી ઘટના છે, જેમાં ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા જહાજો પર હુમલા થયા છે. અગાઉ 'જલવીર' ટેન્કર સાથે પણ આવી જ ઘટના બની હતી. આ સતત બની રહેલી ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય જળસીમામાં દરિયાઈ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ભારત સરકાર આ સમગ્ર મામલા પર નજીકથી નજર રાખી રહી છે અને ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે. હાલ તો તમામ ખલાસીઓ મસીરાહ ટાપુ પર સુરક્ષિત છે, પરંતુ આ ઘટનાએ આખા દેશમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે. ભારત અને ઓમાનની ત્વરિત કામગીરીને કારણે એક મોટી માનવીય દુર્ઘટના ટળી છે.
આ પણ વાંચોઃ PM Kisan Yojana: ખેડૂતો માટે ખુશખબર, જુલાઇમાં આ તારીખે આવી શકે છે 23મો હપ્તો!