દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનએ આજે ઉમેદવારી પત્ર ભર્યુ છે. તેઓ ઉપ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઇને એનડીએ તરફથી ઉમેદવાર છે. આ દરમિયાન પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા તથા ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના નેતાઓ જોવા મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી તેમના પ્રથમ પ્રસ્તાવક બન્યા.


એનડીએનું શક્તિપ્રદર્શન 

સીપી રાધાકૃષ્ણન ઉમેદવારી નોંધાવ્યા દરમિયાન એનડીએની એકજૂથતા જોવા મળી. બીજેપી અને સહયોગી દળોના સાંસદોમાં લલનસિંહ, જીતન રામ માંઝી, પ્રફુલ પટેલ સહિત દિગ્ગજો ઉપસ્થિત રહ્યા.

કોંગ્રેસના ઉમેદવાર ક્યારે ભરશે ઉમેદવારી પત્ર? 

ત્યારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોંગ્રેસના ઉમેદવાર સુદર્શન રેડ્ડી આવતીકાલે એટલે કે ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભરશે. મહત્વનું છે કે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે તેમના નામની જાહેરાત કરી હતી. સુદર્શન રેડ્ડીએ કહ્યું કે તેઓ પોતાના પ્રગતિશીલ વિચારો અને સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. 

કોણ છે સીપી રાધાકૃષ્ણન ? 

  • તમિલનાડુમાં જન્મેલા સીપી રાધાકૃષ્ણન ગયા વર્ષે જુલાઈથી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. 68 વર્ષીય રાધાકૃષ્ણન અગાઉ ફેબ્રુઆરી 2023 થી જુલાઈ 2024 સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે માર્ચ અને જુલાઈ 2024 દરમિયાન તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.
  • 2023માં ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયાના પહેલા ચાર મહિનામાં, રાધાકૃષ્ણને રાજ્યના તમામ 24 જિલ્લાઓની મુલાકાત લીધી હતી. તેમણે નાગરિકો અને જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણન કોઈમ્બતુરથી બે વાર લોકસભામાં ચૂંટાયા હતા અને અગાઉ તેઓ તમિલનાડુ ભાજપના રાજ્ય પ્રમુખ પણ હતા.
  • તમિલનાડુ ભાજપના વડા તરીકે, 2004 થી 2007 દરમિયાન, તેમણે 19,000 કિલોમીટરની 'રથયાત્રા' કાઢી હતી જે 93 દિવસ સુધી ચાલી હતી. આ યાત્રા તમામ ભારતીય નદીઓને જોડવા, આતંકવાદ નાબૂદ કરવા, સમાન નાગરિક સંહિતાનો અમલ, અસ્પૃશ્યતા નાબૂદ કરવા અને ડ્રગ્સના દૂષણનો સામનો કરવાની તેમની માંગણીઓને ઉજાગર કરવા માટે કાઢવામાં આવી હતી. તેમણે બે વધુ પદયાત્રાઓનું પણ નેતૃત્વ કર્યું હતું.
  • ચાર દાયકાથી વધુ અનુભવ ધરાવતા, રાધાકૃષ્ણન તમિલનાડુના રાજકારણ અને જાહેર જીવનમાં એક આદરણીય નામ છે. 1957માં તમિલનાડુના તિરુપુરમાં જન્મેલા, રાધાકૃષ્ણને કોઈમ્બતુરની ચિદમ્બરમ કોલેજમાંથી બીબીએની ડિગ્રી સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો.
  • ઉત્સાહી રમતવીર, રાધાકૃષ્ણન કોલેજ સ્તરે ટેબલ ટેનિસના ચેમ્પિયન અને લાંબા અંતરના દોડવીર હતા. તેઓ ક્રિકેટ અને વોલીબોલના પણ શોખીન. 21 જુલાઈના રોજ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યા બાદ ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડી ગયું હતું. ચૂંટણી પંચે અગાઉ જાહેરાત કરી હતી કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ૯ સપ્ટેમ્બરે થશે અને મતગણતરી પણ તે જ દિવસે થશે.

  • Follow us on: