વરસો જૂના સંબંધો અને બાળપણની યાદો ઘણીવાર જીવનના અનપેક્ષિત મોડ પર ફરીથી તાજી થતી હોય છે. આવો જ એક ભાવુક અને ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મહારાષ્ટ્રના મીરા રોડ વિસ્તારમાં રહેતા ૮૧ વર્ષીય અસગર અલી બોહરા તેમના બાળપણના સહાધ્યાયી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંનેએ બાળપણમાં ગુજરાતના વડનગરની 'બીએન સ્કૂલ'માં સાથે અભ્યાસ કર્યો હતો. દાયકાઓ પછી થયેલું આ પુનઃમિલન માત્ર બે મિત્રોની મુલાકાત નહોતી, પરંતુ એક વૃદ્ધ વ્યક્તિની ન્યાય મેળવવાની આશા પણ બની ગઈ છે.
જમીન વિવાદ અને ગંભીર આરોપો
અસગર અલી બોહરાના જણાવ્યા અનુસાર, તેમણે વર્ષ ૧૯૮૯માં ભાયંદર પૂર્વના નવઘર વિસ્તારમાં અંદાજે ૨,૮૧૦ ચોરસ મીટર જમીન કાયદેસરના રજિસ્ટર્ડ કરાર દ્વારા ખરીદી હતી. પરંતુ વર્ષ ૨૦૧૧માં આ જમીન પર સ્વયં બિલ્ડર્સ અને સેવન ઇલેવન કન્સ્ટ્રક્શન્સ દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યું હોવાનો તેમનો ગંભીર આરોપ છે. ઉલ્લેખનીય છે કે સેવન ઇલેવન કન્સ્ટ્રક્શન્સ ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે સંકળાયેલા હોવાનું ચર્ચાય છે.
મિત્રએ કર્યો આ દાવો
બોહરાનો દાવો છે કે તેમની જમીનના નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમને જાણ કર્યા વિના જ જમીનને બે ભાગમાં વહેંચીને બિલ્ડરો દ્વારા કબજે કરી લેવામાં આવી હતી. આ મામલે તેમણે વર્ષ ૨૦૧૫માં એફઆઈઆર (FIR) પણ દાખલ કરી હતી, જે કેસ હાલ કોર્ટમાં પેન્ડિંગ છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ મહેસૂલ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ અધિકારીઓના દરવાજા ખટખટાવી રહ્યા હતા, પરંતુ કોઈ નક્કર ઉકેલ ન મળવાથી તેઓ ભારે ચિંતિત હતા.
PM મોદીની મુલાકાત અને નવી આશા
આ તમામ મુશ્કેલીઓ વચ્ચે અસગર અલી બોહરાએ તાજેતરમાં ૮ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે પીએમ મોદી સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી અને આ જમીન વિવાદમાં ન્યાય અપાવવા તેમજ સીબીઆઈ (CBI) તપાસની માંગ કરી હતી. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આ મુલાકાતના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેમાં પીએમ મોદી ખૂબ જ ધ્યાનથી પોતાના બાળપણના મિત્રની વાત સાંભળતા નજરે પડે છે.
પીએમ તરફથી મળ્યો સકારાત્મક પ્રતિસાદ
પીએમ મોદી તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદથી અસગર અલીને ન્યાય મળવાની નવી આશા જાગી છે. આ મુલાકાતની અસર વહીવટી તંત્ર પર પણ સ્પષ્ટપણે જોવા મળી છે. મ્યુનિસિપલ વહીવટીતંત્રે આ મામલાની ગંભીર નોંધ લઈને આગામી ૧૬ સપ્ટેમ્બરે એક મહત્વપૂર્ણ સુનાવણી નક્કી કરી છે. આ સુનાવણીમાં સ્વયં બિલ્ડર્સ અને સેવન ઇલેવન કન્સ્ટ્રક્શન્સના પ્રતિનિધિઓને પણ હાજર રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. દાયકાઓ જૂનો આ વિવાદ હવે કઈ દિશા પકડે છે અને ૮૧ વર્ષીય વૃદ્ધને ન્યાય ક્યારે મળે છે, તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચોઃ BRICS Family Photo: એક બાજુ જિનપિંગ તો બીજી બાજુ પુતિન, પીએમ મોદીનો દુનિયાને સંદેશ