વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયલટ સ્મિત મચ્છર સાથે ટેલિફોનિક વાતચીત કરી, આખી ઘટનાનો ઉલ્લેખ પણ સ્મિતે કર્યો, જાણો વર્ડ ટુ વર્ડ શું વાતચીત થઇ....
પ્રધાનમંત્રી મોદી: સ્મિત, નમસ્તે.
સ્મિત મચ્છર: નમસ્તે સર.
પ્રધાનમંત્રી મોદી: કેમ છો અત્યારે? તબિયત કેવી છે?
સ્મિત મચ્છર: બધું ઠીક છે સર, બધું ઠીક છે.
પ્રધાનમંત્રી મોદી: જુઓ, આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. મહામૃત્યુંજય મંત્રના જાપ થઈ રહ્યા છે. તમારી હિંમત, ધૈર્ય અને સૂઝબૂઝથી તમે ક્ષણભરમાં નિર્ણય લઈને તમારી અને આટલા બધા લોકોની જિંદગી બચાવી છે. આજે આખો દેશ ગર્વથી કહી શકે છે કે આપણે હિંદુસ્તાની જાન લેવા વાળા લોકો નથી, પરંતુ જાન બચાવવા વાળા લોકો છીએ. તમારા શરીર પર આટલો મોટો ઘાવ થયો, તમે પોતે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા હતા, છતાં એ સમયે પણ તમે પોતાના જીવનની પરવા ન કરીને તમામ મુસાફરોના જીવનની પરવા કરી.
સ્મિત મચ્છર: જી, જી.
પ્રધાનમંત્રી મોદી: અને સૌથી મોટી વાત એ છે કે તમે 140 કરોડ દેશવાસીઓનું નામ રોશન કર્યું છે અને એ માટે મને ખૂબ દિલથી ગર્વ થાય છે. મને ભૂપેન્દ્રભાઈ સાથે વાત કરવાનો મોકો મળ્યો, ગીતાબેન સાથે વાત કરી અને સોનલબેન સાથે પણ વાત કરી. મેં ગીતાબેનને કહ્યું હતું કે તમારું નામ ગીતા છે અને તમે જાણે શ્રીકૃષ્ણની ગીતાને સંપૂર્ણ રીતે બચાવી લીધી. અને તમે સ્મિતને એ સાક્ષાત્ ગીતાના સંસ્કારોથી તેનું જીવન બનાવ્યું.સ્મિત, હવે હું આપની પાસેથી સાંભળવા માગું છું.
સ્મિત મચ્છર: સર, હું શરૂઆતથી જ કહેતો હતો કે તમે મારા સૌથી મોટા આદર્શ છો સર. મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે સર.એ ક્ષણે હું મારા જીવન માટે લડી રહ્યો હતો, પરંતુ એક એવો સમય આવ્યો કે જો મેં કંઈ ન કર્યું હોત... હું પડી ગયો હતો, મને ઘણા ઘા લાગ્યા હતા અને હું નીચે ફસાઈ ગયો હતો. એ સમયે મેં વિચાર્યું કે હું 17 વર્ષથી ફ્લાઇટ ઉડાવી રહ્યો છું અને છેલ્લા 11 વર્ષથી કેપ્ટન છું. મને એટલું તો ખબર પડે છે કે આંખો બંધ કરીને પણ ફ્લાઇટમાં શું થઈ રહ્યું છે.જ્યારે હું નીચે પડેલો હતો ત્યારે મને અહેસાસ થઈ રહ્યો હતો કે એરક્રાફ્ટ નીચે જઈ રહ્યું છે. મને બિલકુલ ખબર હતી કે કદાચ આ છેલ્લી ક્ષણ છે. પરંતુ એ સમયે પણ હું માર ખાતો હતો અને સરને કહેતો હતો કે હું મારા હિસાબથી કરી રહ્યો છું. મને એટલું ખબર હતું કે હું એ બધાને મરવા નહીં દઉં. એ પછી લોકોએ મને ખૂબ સારી રીતે સંભાળ્યો. જ્યારે પણ મને કોઈ મુશ્કેલી આવે છે ત્યારે હું હનુમાન ચાલીસાનો પાઠ કરું છું અને એ સમયે પણ હું માત્ર હનુમાન ચાલીસા જ બોલી રહ્યો હતો. અને મને ખબર છે કે ભગવાને જ મને બચાવ્યો છે. તમારો એક ફોન આવ્યો, એ વાતનો મને ખૂબ ખૂબ ગર્વ થઈ રહ્યો છે. સોરી સર, હું તમારી સામે રડી રહ્યો છું.
પ્રધાનમંત્રી મોદી: સ્મિત, જો મારી સામે તમે ભાવુક નહીં થાઓ તો ક્યાં થશો?
સ્મિત મચ્છર: સર, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી તમારી સાથે વાત થશે. ક્યારેય નહીં વિચાર્યું હતું.
પ્રધાનમંત્રી મોદી: તમે એટલું મોટું કામ કર્યું છે કે આજે દરેક દેશવાસી જ નહીં, દુનિયાના લોકો પણ તમને જોવા અને તમારી સાથે વાત કરવા માટે ખૂબ આતુર છે.અને તમે હનુમાન ચાલીસાની જે વાત કરી છે, તેના માટે હું ગીતાબેનને પ્રણામ કરીશ કે તેમણે તમને આવા સંસ્કાર આપ્યા. ભૂપેન્દ્રભાઈને પણ પ્રણામ કરીશ.અને હું તમને એક વાત કહું, સ્મિત. ગઈકાલે જ્યારે મારી સોનલબેન સાથે વાત થઈ ત્યારે હું આશ્ચર્યચકિત હતો કે આટલી સ્વસ્થતા અને આટલી હિંમતથી તેઓ વાત કરી રહ્યાં હતાં. આવી પરિસ્થિતિમાં સોનલબેન આટલી સ્વસ્થતાથી વાત કરી શકશે, એવી મેં ખરેખર કલ્પના નહોતી કરી.એટલે હું સમજું છું કે તમે એક પરિવાર તરીકે ખરેખર આખા દેશનું નામ રોશન કર્યું છે.
સ્મિત મચ્છર: સર, હું રોજ સવારે પૂજા કરું છું. મારો બે વર્ષનો દીકરો છે. તેને હું ખોળામાં બેસાડીને રોજ હનુમાન ચાલીસાનો પાઠ સંભળાવું છું.કારણ કે આજે પણ લોકો દેશથી દૂર છે, પરંતુ આપણી સંસ્કૃતિથી દૂર નથી.
પ્રધાનમંત્રી મોદી: સાચી વાત છે.
સ્મિત મચ્છર: અત્યારે તો અહીં પણ એવું નથી લાગતું કે અમે દેશથી દૂર છીએ. અહીંના લોકો અમને ખૂબ પ્રેમથી અને ખૂબ ધ્યાનથી રાખી રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદી: તમને કદાચ ખબર નહીં હોય, પરંતુ સાવરકુંડલામાં પણ, વધવાણમાં પણ અને સમગ્ર હિન્દુસ્તાનમાં લોકોએ એક ભાવુક વાતાવરણ બનાવી દીધું છે.ગઈકાલે તમામ મંદિરોમાં પૂજા, પ્રાર્થના અને આરતી થઈ. તમામ તીર્થક્ષેત્રોમાં આરતી થઈ. અને બધા તમારા દીર્ઘાયુ તથા ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.એટલે તમે જલ્દીથી સ્વસ્થ થવાના જ છો. ભારત તમારું સ્વાગત કરવા માટે ખૂબ આતુર છે. તમારા શરીરમાં જે તકલીફ છે એ હું સમજી શકું છું. તમે વીર પુરુષ છો. તમે તમારા ઘાવને સહન કરવાનું તમારા માટે ઘણું સરળ બનાવી લીધું છે.
સ્મિત મચ્છર: સર, હું એ ઘાવને ઘાવની જેમ નથી વિચારતો. પછી એ વધુ મુશ્કેલ બની જાય. હું એને એક યાત્રા તરીકે વિચારું છું, જે ધીમે ધીમે આગળ વધવાની છે. એમાં સમય લાગશે, પરંતુ મને ખૂબ ખૂબ વિશ્વાસ છે કે હું સંપૂર્ણ રીતે સાજો થઈ જઈશ.
પ્રધાનમંત્રી મોદી: હું સાઉદી સરકારનો અને યુએઈ સરકારનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે તેમણે તમારી ખૂબ કાળજી લીધી. હું તેમનો પણ આભારી છું.
સ્મિત, તમને જ્યારે પણ જરૂર લાગે ત્યારે હું ફોન પર છું.પરંતુ તમે ખરેખર વર્તનથી જે બતાવ્યું છે તે ગઈકાલે સોશિયલ મીડિયા પર પણ જોવા મળ્યું. લોકોએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને કહ્યું કે જો આવું ન થયું હોત તો ખબર નહીં હિન્દુસ્તાન પર શું વીતત.ભારતના પાયલોટો પર શું વીતતી? ભારતીય પાયલોટોને કઈ રીતે જોવામાં આવત? તમે બધાને બચાવી લીધા. એટલે તમે ખૂબ મોટું કામ કર્યું છે.
સ્મિત મચ્છર: થેન્ક્સ સર.
પ્રધાનમંત્રી મોદી: જ્યારે મળીશ ત્યારે અંદરની વાતો પછી સાંભળીશ, કારણ કે હું મોબાઇલ પર તમારી સાથે આવી બધી વાતો કરવા માંગતો નથી.તમે પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાઓ. આખો દેશ તમારી સાથે છે.
સ્મિત મચ્છર: થેન્ક્સ સર.
પ્રધાનમંત્રી મોદી: હું તમને વધારે પરેશાન કરવા નથી માંગતો. મારી તરફથી ખૂબ શુભકામનાઓ.આજે ગાંધી જયંતી છે. અહિંસા શું હોય છે, એ તમે જીવ કરીને બતાવ્યું છે.
સ્મિત મચ્છર: થેન્ક યુ સર.
પ્રધાનમંત્રી મોદી: ચાલો, જય શ્રીકૃષ્ણ. થોડું ગુજરાતીમાં પણ વાત કરી લઈએ.
સ્મિત મચ્છર: જય શ્રીકૃષ્ણ સર.
પ્રધાનમંત્રી મોદી: બોબી અને જીવા ગુજરાતી બોલે છે કે નથી બોલતા?
સ્મિત મચ્છર: બોલે છે સર.
પ્રધાનમંત્રી મોદી: જોરદાર ગુજરાતી બોલે છે?
સ્મિત મચ્છર: પહેલા ગુજરાતી શીખવાડ્યું છે, પછી જ અંગ્રેજી શીખવાય.
પ્રધાનમંત્રી મોદી: બાળકોને મળવાનું થઈ ગયું? ડોક્ટરોએ મળવા માટે મંજૂરી આપી?
સ્મિત મચ્છર: મારી મોટી દીકરી આવી હતી, પરંતુ એ આ બધું જોઈને ડરી ગઈ.
પ્રધાનમંત્રી મોદી: અચ્છા, અચ્છા.
સ્મિત મચ્છર: એ મારી સાથે બહુ નજીક છે અને મારો નાનો દીકરો બે વર્ષનો છે, એને મળવાની મંજૂરી નથી આપી.
પ્રધાનમંત્રી મોદી: હા, હમણાં તો સાચવવું જોઈએ. પરંતુ સોનલબેન ખૂબ જ હિંમતવાળા છે.
સ્મિત મચ્છર: યસ સર.
પ્રધાનમંત્રી મોદી: એટલી સ્વસ્થતાથી મારી સાથે વાત કરી. નહીં તો મેં અનુભવ્યું છે કે આવી પરિસ્થિતિમાં કોઈ વાત પણ ન કરી શકે અને ફરિયાદનું તો નામોનિશાન પણ ન હોય.
ભૂપેન્દ્રભાઈ અને ગીતાબેન સાથે ગઈકાલે મુંબઈ એરપોર્ટ પર વાત કરી. ત્યારે પણ ફરિયાદનું એક પણ નામોનિશાન નહોતું. બસ તેમની એક જ વાત હતી—ભગવાન સારું જ કરશે.
સ્મિત મચ્છર: બસ, સર. એ ગમે તે પરિસ્થિતિમાં પણ એ જ વાતમાં રહે છે સર.
પ્રધાનમંત્રી મોદી: ચાલો, જય શ્રીકૃષ્ણ. ખૂબ જલ્દી સાજા થાઓ અને આપણે મળીએ છીએ.
સ્મિત મચ્છર: યસ સર.
પ્રધાનમંત્રી મોદી: ગોડ બ્લેસ યુ. જય હિંદ.
સ્મિત મચ્છર: જય હિંદ.









