યુએઈમાં સારવાર લઈ રહેલા ફ્લાયદુબઈના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત માચર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેલિફોન પર ખાસ વાતચીત કરી છે. પીએમ મોદીએ કેપ્ટન સ્મિતની અદભુત બહાદુરી અને સાહસની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી તેમજ તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. આ વાતચીત દરમિયાન કેપ્ટન સ્મિતે પોતાનો સમગ્ર અનુભવ વર્ણવ્યો હતો અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં તેમને માનસિક હિંમત ક્યાંથી મળી તે વિશે પણ ચર્ચા કરી હતી.
હું હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યો હતો
પીએમ મોદી સાથે વાત કરતા કરતા પાયલટ સ્મિત મચ્છર ભાવુક પણ થયા. તેમણે કહ્યુ કે મને લાગ્યુ વિમાન નીચે જઇ રહ્યુ છે હું દરેકને મરતા નથી જોઇ શકતો, હું હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યો હતો.
https://twitter.com/ANI/status/2105909505292685697
કેપ્ટન લોહીથી લથપથ છતાં બચાવ્યો લોકોના જીવ
ઘટનાની વિગતો અનુસાર, કેપ્ટન સ્મિત દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 ઉડાવી રહ્યા હતા. ઉડાણ દરમિયાન તેમના કો-પાઇલટે કથિત રીતે વિમાનને ક્રેશ કરવાનો અને અપહરણ કરવાનો ઘાતક પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વિમાન અચાનક હજારો ફૂટ નીચે પટકાયું અને કોકપીટમાં બંને પાઇલટો વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો. આ ભીષણ હુમલામાં કેપ્ટન સ્મિત ગંભીર રીતે ઘાયલ થયા અને લોહીથી લથપથ થઈ ગયા, તેમ છતાં તેમણે પોતાનો હોશ ન ગુમાવ્યો અને અડગ રહ્યા. તેમની આ દ્રઢતાના કારણે જ તેઓ ગંભીર ઈજાઓ છતાં કોકપીટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા હતા.
અન્ય મુસાફરોએ લીધું સાહસથી કામ
દરવાજો ખુલતા જ ફ્લાઇટના અન્ય ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો તરત જ કોકપીટમાં દોડી આવ્યા હતા અને હુમલાખોર કો-પાઇલટને કાબૂમાં લઈ લીધો હતો. આ ઉપરાંત, ફ્લાઇટમાં ફરજ પર ન હોય તેવા અન્ય બે ફ્લાયદુબઈ પાઇલટોએ પણ આગળ આવીને વિમાનનો કાબૂ સંભાળ્યો હતો. ત્યારબાદ આ વિમાનને સાઉદી અરેબિયાના તાબુક તરફ વાળીને સલામત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે બોર્ડ પર રહેલા 174 મુસાફરોનો જીવ બચી ગયો હતો.
અનેક નેતાઓએ કર્યા સ્મિતના વખાણ
આ સાહસિક પગલાં બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિતના વૈશ્વિક નેતાઓએ કેપ્ટન સ્મિતના વખાણ કર્યા છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે કેપ્ટન સ્મિતે પોતાના પ્રાનની પરવા કર્યા વિના અદ્ભુત બહાદુરી બતાવીને 9/11 જેવી સંભવિત મોટી દુર્ઘટનાને અટકાવી દીધી છે. ગુજરાત સરકારે પણ તેમની આ વીરતાને બિરદાવતા તેમને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ'થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ FlyDubai ફ્લાઇટમાં કોકપીટમાં શું થયું હતું? લોહીથી લથપથ કેપ્ટન સ્મિતનો નવો Video વાયરલ