વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નાસ્તાની બેઠક દરમિયાન એનડીએના રાજ્યસભાના સાંસદો સાથે મુલાકાત કરી હતી અને તેમને સંસદીય કાર્ય, શિસ્ત તથા જીવનના મહત્વપૂર્ણ પાઠ શીખવ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને નવા ચૂંટાયેલા સાંસદોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સંસદ ગૃહમાં વધુમાં વધુ સમય વિતાવવા અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરવા આહ્વાન કર્યું હતું. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી, જેમાં રાજકારણથી લઈને વ્યક્તિગત દિનચર્યા સુધીના અનેક મુદ્દાઓ પર ખુલીને ચર્ચા થઈ હતી.
બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને આપી સલાહ
બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદોને સલાહ આપી હતી કે તેમણે ગૃહમાં અન્ય સભ્યોના ભાષણો અત્યંત ધ્યાનથી સાંભળવા જોઈએ, કારણ કે શીખવાની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી. તેમણે શાસક પક્ષ અને વિપક્ષ બંનેના વિચારોને માન આપીને દરેક પાસેથી કંઈક નવું શીખવાની ભાવના કેળવવા પર ભાર મૂક્યો હતો. આ સાથે જ તેમણે સાંસદોને સંસદમાં ૧૦૦ ટકા હાજરી જાળવી રાખવા અને સાથે મળીને ટીમ ભાવનાથી કામ કરવા માટે ખાસ તાકીદ કરી હતી.
સમય સંચાલન અને શિસ્તના પાઠ ભણાવ્યા
સાંસદો સાથે પોતાની દિનચર્યા શેર કરતા પીએમ મોદીએ એક રસપ્રદ વાત કહી કે તેઓ પથારીમાં પડ્યા પછી માત્ર 8 સેકન્ડની અંદર જ ગાઢ નિદ્રામાં સરી જાય છે અને તેઓ દૈનિક માત્ર ત્રણ કલાક જ ઊંઘે છે. સમય સંચાલન (Time Management) અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓ હંમેશાં 'વર્તમાનમાં જીવે છે' અને જે ક્ષણે જે વ્યક્તિ સાથે હોય, સંપૂર્ણ સમર્પણ સાથે તેની જ વાત સાંભળે છે. આજની યુવા પેઢી અથવા 'ઝેન ઝી' વિશે વાત કરતા તેમણે કહ્યું કે જો આપણે પહેલા તેમની વાત ધ્યાનથી સાંભળીશું, તો જ તેઓ આપણી વાત સ્વીકારશે.
સરકારી લેટરહેડનો દૂરૂપયોગ ન કરે
આ બેઠકમાં સાંસદોને કેટલીક કડક ચેતવણીઓ પણ આપવામાં આવી હતી. પીએમ મોદીએ સાંસદોને સ્પષ્ટ સૂચના આપી હતી કે તેઓ પોતાના સરકારી લેટરહેડનો કોઈપણ સંજોગોમાં દુરુપયોગ ન કરે. આ ઉપરાંત, ફોન પર અસંસ્કારી કે અસભ્ય વર્તન ન કરવા અને વિરોધી પક્ષો પર પોતાના વિચારો જબરદસ્તી લાદવાથી દૂર રહેવાની પણ સલાહ આપી હતી. આ બેઠકથી સાંસદોને જનસેવા અને શિસ્તબદ્ધ જીવન જીવવાની અમૂલ્ય પ્રેરણા મળી છે.
આ પણ વાંચોઃ Delhi: શું જંતર મંતર પર થવાનો હતો મોટો હુમલો? ISI સમર્થિત 2 આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, 9 આરોપીઓ ઝડપાયા