મૂશળધાર વરસાદના કારણે પંજાબના લગભગ 2 હજાર ગામડા પાણીમાં ગરકાવ થયા છે. અને 2 લાખ હેક્ટર પાક સંપૂર્ણપણે નાશ થયો છે. અત્યાર સુધીમાં 46 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત લાખો લોકો પ્રભાવિત થયા છે.

પંજાબમાં પૂરનો પ્રકોપ

પીએમ મોદી 9 સપ્ટેમ્બરે પંજાબની મુલાકાત લેશે અને પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરશે. તેઓ ગુરદાસપુર પહોંચશે અને પરિસ્થિતિનું આકલન કરશે. પીએમ મોદી તેમના પંજાબ પ્રવાસ દરમિયાન મોટા પેકેજની જાહેરાત કરી શકે છે. પીએમ પૂર પીડિતો માટે આર્થિક પેકેજ અથવા વળતરની જાહેરાત કરી શકે છે. પંજાબમાં 17 ઓગસ્ટથી પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યના 2 હજારથી વધુ ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે.

પંજાબ આપત્તિગ્રસ્ત જાહેર

પંજાબ સરકારે રાજ્યને પહેલાથી જ આપત્તિગ્રસ્ત જાહેર કરી દીધું છે. આ સાથે, સરકારે કેન્દ્ર પાસેથી 60 હજાર કરોડના ભંડોળની માંગણી કરી છે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન તેમના દ્વારા પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે. પંજાબના ઘણા જિલ્લા પૂરની ઝપેટમાં છે. સેના આ વિસ્તારોમાં બચાવ અને રાહત કાર્યમાં સતત રોકાયેલી છે. સલમાન ખાન પંજાબમાં પૂરથી પીડિત લોકોને મદદ કરવા આગળ આવ્યા છે. તેમના સિવાય, ઘણા અન્ય કલાકારોએ ગામડાઓ દત્તક લીધા છે.

વરસાદનો કહેર યથાવત્

દેશભરમાં વરસાદે પોતાનો પ્રકોપ બતાવ્યો છે. કુદરત પોતાના રૌદ્ર સ્વરૂપથી તાબાહી મચાવી રહ્યુ છે. ખેતરોમાં જળાશય જેટલા પાણી ભરાયા છે. જેના કારણે પાકને મોટું નુકસાન પહોંચ્યુ છે. ખેડુતોની સ્થિતિ દયનીય બની છે. રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રસ્તાઓ પર હોડીઓ દેખાઇ રહી છે. બજારો, દુકાનો અને ગોડાઉનમાં પાણી ભરાતા અનાજ તથા અન્ય સામાનને નુકસાન પહોંચ્યુ છે. જેના કારણે ભૂખમરો પણ પોતાનું રૂપ બતાવી રહ્યુ છે. પંજાબની સ્થિતિ દિવસને દિવસે બગડી રહી છે. 

  • Follow us on: