સુપ્રીમ કોર્ટે પોક્સો કાયદા હેઠળ બાળકોની સુરક્ષાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ સગીર બાળક કોઈ વ્યક્તિને પોતાની સાથે યૌન શોષણ થયું હોવાની અથવા થવા જઈ રહ્યું હોવાની વાત કરે તો તે વ્યક્તિની આ કાયદાકીય જવાબદારી બને છે કે તે તાત્કાલિક પોલીસ અથવા સંબંધિત અધિકારીઓને તેની જાણ કરે.આવી સ્થિતિમાં બાળકની વાતને ગંભીર અને ભરોસાપાત્ર માનવામાં આવશે.

બાળકની આપવીતી જ કાર્યવાહી કરવા માટે પૂરતો આધાર

સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે,બાળકની વાત સાંભળ્યા પછી કોઈ પણ વ્યક્તિ એમ કહીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં કે તેણે આ ઘટના પોતાની નજરે જોઈ નથી અથવા બાળકના શરીર પર ઈજાના કોઈ નિશાન નથી.બાળકની આપવીતી જ કાર્યવાહી કરવા માટે પૂરતો આધાર છે.જો કોઈ બાળક ડર કે સંકોચના કારણે આખી વાત સ્પષ્ટ રીતે ન કહી શકતું હોય તો તેની સાથે પ્રેમ અને સંવેદનશીલતાપૂર્વક વાત કરીને કેટલાક જરૂરી પ્રશ્નો પૂછી શકાય છે.જોકે,આ સવાલો બાળકની ફરિયાદને ખોટી સાબિત કરવા માટે નહીં,પરંતુ તેની સાથે બનેલી ઘટનાની સચ્ચાઈને સમજવા માટે હોવા જોઈએ.

અરુણાચલ પ્રદેશની શાળાના કેસમાં આવ્યો ચુકાદો

સુપ્રીમ કોર્ટનો આ મોટો નિર્ણય અરુણાચલ પ્રદેશની એક શાળા સાથે જોડાયેલા મામલામાં આવ્યો છે.અહીં એક 8 વર્ષની બાળકીએ આરોપ લગાવ્યો હતો કે શાળાના જ એક મોટા વિદ્યાર્થીએ તેની સાથે યૌન શોષણ કર્યું હતું.આ બાળકીએ ઘટનાની જાણ પોતાની શિક્ષિકા,મોટી બહેન, મિત્ર અને શાળાની હેડ ગર્લને કરી હતી.આ મામલે સુપ્રીમ કોર્ટે ગુવાહાટી હાઈકોર્ટના એ આદેશને રદ કરી દીધો છે. જેમાં શાળાની શિક્ષિકાઓ અને આચાર્યાને રાહત આપવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટે આ બાબત પણ એકદમ સ્પષ્ટ કરી દીધી છે કે,કાયદાકીય કાર્યવાહી માત્ર એવા જ લોકો સામે કરવામાં આવશે જેમને પીડિત બાળકીએ પોતે સીધી રીતે આ ઘટનાની જાણ કરી હતી અને તેમ છતાં તેમણે આગળ પોલીસને આ અંગે કોઈ માહિતી આપી નહોતી.

આ પણ વાંચોઃ Surat News: ભારે વરસાદ અને પૂરને કારણે ટેક્સટાઈલમાં 500 કરોડનું નુકસાન, ડાયમંડમાં 3 હજાર કરોડનો કારોબાર અટક્યો