રાહુલ ગાંધીએ પૂછ્યું કે, ચૂંટણી કમિશનર તેમની સાથે કેમ મુલાકાત કરી રહ્યા નથી. કારણ કે તેઓ લાખો ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે.
દિલ્હીમાં SIR સામે મોટો વિરોધ પ્રદર્શન
ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સામે વિપક્ષનો વિરોધ દિલ્હીમાં હિંસક હંગામામાં ફેરવાઈ ગયો. INDIA બ્લોકના સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે સંસદ ભવનથી ચૂંટણી પંચના નિર્વાચન સદન સુધી કૂચ કરી. વિરોધ પ્રદર્શન દરમિયાન, પોલીસ અને વિરોધીઓ વચ્ચે અનેક સ્થળોએ ઝપાઝપી થઈ. પોલીસે નેતાઓને ચૂંટણી પંચ પાસે જતા અટકાવ્યા અને તેમને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લીધા હતા.
આકાશવાણી પરિસરમાં કરાઇ અટકાયત
બીજી તરફ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આકાશવાણી પરિસરમાં રોકવામાં આવ્યા હતા, જ્યાં તેઓ લાંબા સમય સુધી રહ્યા હતા. હવે, દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની અટકાયત કરી છે અને તેમને આકાશવાણી પરિસરમાંથી બહાર કાઢી રહ્યા છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાર્ટીએ ઔપચારિક રીતે મુખ્ય ચૂંટણી કમિશનર અને બંને ચૂંટણી કમિશનરો સાથે મુલાકાત માટે સમય માંગતો પત્ર મોકલ્યો છે. જો ચૂંટણી પંચનો કોઈ અધિકારી આવે અને આગામી એક કે બે દિવસમાં બેઠકનું વચન આપે, તો રાહુલ ગાંધી આજે પોતાનો વિરોધ સમાપ્ત કરી શકે છે.
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને પોલીસ પર પ્રહારો કર્યા
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને પોલીસ પર નિશાન સાધતા પ્રશ્ન કર્યો કે તેમણે કોંગ્રેસ અને વિપક્ષના પ્રતિનિધિઓને કમિશનના અધિકારીઓ સાથે મળવા કેમ ન દીધા. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા તેમણે કહ્યું, બધા વિપક્ષી નેતાઓ આવ્યા હતા અને અમે જ્ઞાનેશ કુમારને મળવા અને મત ચોરી અંગે પૂછપરછ કરવા માંગતા હતા, પરંતુ અમને રોકવામાં આવ્યા. કિરેન રિજિજુએ કહ્યું, આ નાટક ક્યાં સુધી ચાલુ રહેશે?" કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષી સાંસદો દ્વારા ECI મુખ્યાલય તરફ નીકળેલી વિરોધ કૂચ પર બોલતા કહ્યું, કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધી અને તેમના સહયોગીઓ દ્વારા ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ પર રોજિંદા હુમલાઓનો અંત લાવવાનો સમય આવી ગયો છે.
પોલીસે ઘણા નેતાઓની અટકાયત કરી
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ વિસ્તારમાં લાદવામાં આવેલા પ્રતિબંધાત્મક આદેશોને કારણે, પોલીસે આકાશવાણી ભવનમાં પ્રવેશતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી. ધરપકડ કરાયેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે બસમાં પરિસરમાંથી બહાર કાઢ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો અને ઇન્ડિયા બ્લોકના સમર્થકોએ નિર્વાચન સદનમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતીય ચૂંટણી પંચના મુખ્યાલયની બહાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો.
આ પણ વાંચોઃ કયા ક્ષેત્રોમાં અપાય છે નોબેલ પુરસ્કારો અને ક્યા યોજાય છે આ સમારોહ?
