નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ ખાતે રાહુલ ગાંધીના પ્રદર્શનના કવરેજ દરમિયાન ત્રણ મહિનાની ગર્ભવતી મહિલા પત્રકાર ઋચા પરાશર સાથે ગેરવર્તણૂક, ધમકી અને ગુનાહિત બળપ્રયોગ કરવાના મામલે ગંભીર વિવાદ સર્જાયો છે. પીડિત મહિલા પત્રકારે આ સમગ્ર ઘટના અંગે રાહુલ ગાંધી અને અન્ય સામે નવી દિલ્હીના ડીસીપીને તાત્કાલિક એફઆઈઆર નોંધવા લેખિત રજૂઆત કરી છે.
રાહુલ ગાંધીએ તેમને ખભાથી પકડીને ખેંચ્યા
આ ઘટના 12 ઓક્ટોબર, 2026ના રોજ સુપ્રીમ કોર્ટ પરિસરમાં બની હતી, જ્યાં રાહુલ ગાંધીના પ્રદર્શનનું રિપોર્ટિંગ ચાલી રહ્યું હતું. મહિલા પત્રકાર ઋચા પરાશરે કરેલા આક્ષેપ અનુસાર, રાહુલ ગાંધી જ્યારે બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમણે પોતાનો માઇક આગળ કર્યું હતું આ દરમિયાન રાહુલ ગાંધીએ તેમને ખભાથી પકડીને ખેંચ્યા હતા અને તેમના સુરક્ષાકર્મીઓએ તેમને જોરદાર ધક્કો માર્યો હતો.
ધક્કાના કારણે તેઓ સીડી પરથી નીચે પટકાયા
સુરક્ષાકર્મીઓના ધક્કાના કારણે તેઓ સીડી પરથી નીચે પટકાયા હતા અને તેમનો ફોન પણ તૂટી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.
તેઓ ત્રણ મહિનાના ગર્ભવતી હતા
આ ઘટના બાદ મહિલા પત્રકારને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમણે પેટમાં હળવા દુખાવાની ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ ત્રણ મહિનાના ગર્ભવતી હતા, જેની જાણ અગાઉ તેમણે કોઈને કરી ન હતી. હોસ્પિટલમાં તપાસ દરમિયાન તેમણે નર્સને ગર્ભાવસ્થા વિશે જણાવતાં એક્સ-રે કરવાને બદલે અલ્ટ્રાસાઉન્ડ કરાયું હતું. ત્યારબાદ ઉલટી થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બીએનએસ, 2023ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહીની માંગ
પોલીસ ફરિયાદમાં બીએનએસ, 2023ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જેમાં મહિલાની ગરિમા ભંગ કરવાના ઇરાદાથી બળપ્રયોગ બદલ કલમ 74 અને જાણીજોઈને ઈજા પહોંચાડવા માટે કલમ 115(2) સામેલ છે. તેમજ ઉશ્કેરણી વિના હુમલા માટે કલમ 131, જીવન જોખમાય તેવા બેદરકારીભર્યા કૃત્ય માટે કલમ 125 તથા સહિયારા ઇરાદાથી કરાયેલા ગુનાહિત કૃત્યની સંયુક્ત જવાબદારી માટે કલમ 3(5) હેઠળ ગુનો નોંધી પગલાં લેવા માંગણી કરાઈ છે.
આ પણ વાંચો : Vadodara : ગરબાના પાસની મોટી રામાયણ...સતત ફોનથી કંટાળ્યા નગરસેવકો...આખરે કહી દીધું પાસ માટે ફોન કે મેસેજ ના કરો..