મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ (એસઆઈઆર) સામેના વિરોધ વચ્ચે ભાજપે વિપક્ષ પર પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે સવાલ કર્યો હતો કે શું ઘૂસણખોરોને મતદાર બનાવવા જોઈએ? તેમણે કહ્યું કે ભાજપ વિરોધ પ્રદર્શનની વિરુદ્ધ નથી, પરંતુ અરાજકતાની વિરુદ્ધ છે.
રાહુલ ગાંધી પર પણ સાધ્યું નિશાન
રવિશંકર પ્રસાદે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું હતું કે તેમણે કટોકટીની વાત કરવી જોઈએ નહીં, કારણ કે તેમની દાદી વિશે આખી દુનિયા જાણે છે. તેમણે દાવો કર્યો કે લોકોએ અરાજકતાને નકારી કાઢી છે.
‘દેશ સંસદથી ચાલશે, રસ્તાઓથી નહીં’
ભાજપના પ્રવક્તાએ છેલ્લા 3 દિવસની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારતીય લોકશાહીએ અરાજકતા ફેલાવવાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. તેમણે કહ્યું કે દેશ સંસદથી ચાલશે, રસ્તાઓ પરથી નહીં.
ભાજપની જીતનો ઉલ્લેખ
રવિશંકર પ્રસાદે આસામ, નંદીગ્રામ અને પુડુચેરીમાં ભાજપની જીતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં હતાં ત્યારે પણ આ ચૂંટણીઓ યોજાઈ હતી અને ભાજપે સારું પ્રદર્શન કર્યું હતું.તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણીમાં હાર બાદ વિપક્ષે રસ્તા પરનાં પ્રદર્શનોને હથિયાર બનાવ્યાં છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ વિરોધ પ્રદર્શનોની વિરુદ્ધ નથી.
https://x.com/ANI/status/2108871700721049978
મમતા બેનર્જી, કેજરીવાલ સહિત અનેક લોકોની અટકાયત
એસઆઈઆર અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા કેરળના પૂર્વ મુખ્યમંત્રી પી. વિજયનને પોલીસે અટકાયતમાં લીધા હતા.આ ઉપરાંત, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી) લિબરેશનના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય, ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશનનાં અધ્યક્ષ નેહા, સામાજિક કાર્યકરો યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ સહિત અનેક લોકોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ સામે કોકરોચ જનતા પાર્ટીના આહ્વાન પર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું હતું. આને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓ સફદરજંગ ફ્લાયઓવર તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા. અટકાયતમાં લેવામાં આવેલા લોકોને અલગ-અલગ વાહનોમાં લઈ જવામાં આવ્યા હતા. નવી દિલ્હી તરફ જતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, દિલ્હીના કેટલાક મેટ્રો સ્ટેશનો અને 2 મુખ્ય રેલવે સ્ટેશનો પણ બંધ કરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો : Nana Patekar : નાનાએ કર્યું પત્રકારનું ‘એન્કાઉન્ટર’! પહેલા રંગમંચ પરથી ધક્કો મારીને મને ઉતાર્યો અને...Video