NCPI New National Committee: નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI)એ નવા રાષ્ટ્રીય સંગઠન માળખાની જાહેરાત કરી છે. તેમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી અલગ થયેલા કેટલાક સાંસદોને મહત્વની જવાબદારી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, NCPIએ TMCના પૂર્વ સાંસદ અને ક્રિકેટર યૂસુફ પઠાણ, અભિનેતા અને નેતા બનેલા દીપક અધિકારી દેવ સહિત તૃણમૂલ કોંગ્રેસના 7 પૂર્વ સાંસદોને મહત્વના પદ આપ્યા છે.
પશ્ચિમ બંગાળમાં સંગઠન મજબૂત કરવાની તૈયારી
આ નિમણૂકો એવા સમયે કરવામાં આવી છે જ્યારે NCPI પશ્ચિમ બંગાળમાં TMCના નેતાઓ અને સાંસદોના પાર્ટીમાં જોડાયા બાદ પોતાનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, TMCના 20 પૂર્વ સાંસદોને દળપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીઓ પણ પેન્ડિંગ છે.
સુદીપ બંદોપાધ્યાય અને કાકોલી ઘોષને સ્થાન નહીં
NCPI દ્વારા જાહેર કરાયેલા 27 રાષ્ટ્રીય પદાધિકારીઓમાં 7 એવા પૂર્વ TMC સાંસદો છે, જેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ TMC છોડીને NCPIમાં જોડાયા હતા. નવા સંગઠન માળખામાં આ પૂર્વ સાંસદોને મહત્વની જવાબદારી આપવામાં આવી છે. જોકે, નવા સંગઠનની યાદીમાં કેટલાક મોટા નામો સામેલ નથી. બાગી સાંસદોના જૂથમાં મહત્વની ભૂમિકા ભજવનારા TMCના વરિષ્ઠ સાંસદ સુદીપ બંદોપાધ્યાય અને કાકોલી ઘોષ દસ્તીદારને નવા પદાધિકારીઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
જ્યોતિ પ્રકાશ ચેટર્જી બન્યા રાષ્ટ્રીય અધ્યક્ષ
સમાચાર એજન્સી PTI અનુસાર, જ્યોતિ પ્રકાશ ચેટર્જીને NCPIના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે TMCના 6 પૂર્વ સાંસદોને 27 સભ્યોના નવા સંગઠન માળખામાં મહત્વના પદ આપવામાં આવ્યા છે. યૂસુફ પઠાણ, દીપક અધિકારી દેવ, અબુ તાહેર ખાન, બસુનિયા, બેનર્જી અને ચંદ્રિમા પાંજાને NCPIના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ચૂંટણી બાદ TMCના સાંસદોએ પાર્ટી છોડી
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ TMCના 27માંથી 20 લોકસભા સભ્યોએ પાર્ટી છોડી હતી. આ સાંસદોએ ભાજપના નેતૃત્વવાળા NDAને સમર્થન આપતાં NCPIમાં જોડાયા હતા. તેમના પાર્ટીમાં જોડાયા બાદ લગભગ ચાર મહિના પછી NCPIએ નવા રાષ્ટ્રીય સંગઠન માળખાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: લોકસભા સ્પીકરે TMCના 20 બળવાખોર સાંસદો પર નિર્ણય કેમ ન લીધો?, સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યો સવાલ