મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પ્રદર્શન અને સત્તા પરિવર્તન અંગેના નિવેદનો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરો પલટવાર કર્યો છે. તેમણે જણાવ્યું કે સમગ્ર વિશ્વ નવી વ્યવસ્થાની શોધમાં છે, ત્યારે ભારતમાં કેટલાક અરાજકતાના સપના જોઈ રહ્યા છે. વૈશ્વિક અરાજકતા વચ્ચે મજબૂત ભારતનું ચિત્ર દર્શાવવાને બદલે વિદેશોમાં જઈ ભારતને બદનામ કરાય છે.

વિદેશી દખલની અરજીઓ કરવા બદલ વિપક્ષની ઝાટકણી કાઢી

વિશ્વ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના આકરો પ્રહાર કર્યો હતો. તેમણે વિદેશોમાં જઈ ભારતને બદનામ કરવા અને વિદેશી દખલની અરજીઓ કરવા બદલ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. 

નિષ્ફળ પ્રોડક્ટના લોન્ચિંગ માટે ક્યાં સુધી દેશને દાવ પર લગાવશે

કોંગ્રેસને પરજીવી ગણાવતા તેમણે કહ્યું કે, પક્ષ પોતાના નિષ્ફળ પ્રોડક્ટના લોન્ચિંગ માટે ક્યાં સુધી દેશને દાવ પર લગાવશે. વડાપ્રધાને કટાક્ષ કર્યો કે વર્ષભરમાં શ્રીહરિકોટા પરથી જેટલા લોન્ચિંગ નથી થતા, તેટલા નિષ્ફળ પ્રયાસો કોંગ્રેસ પોતાના નેતાને વારંવાર લોન્ચ કરવા માટે કરે છે. કોંગ્રેસે પોતાની જે દુર્દશા કરવી હોય તે ભલે કરે, પરંતુ પોતાના એક પરિવારને નિષ્ફળતાના ડાઘથી બચાવવા માટે તે ભારતની સિદ્ધિઓ, સારપ અને પ્રગતિને કઠેડામાં ઊભી કરી રહી છે.

આ પરિવાર આજે કોંગ્રેસ પક્ષ પર મોટો બોજ બની ચૂક્યો છે

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે આ પરિવાર આજે કોંગ્રેસ પક્ષ પર મોટો બોજ બની ચૂક્યો છે. આ ગંભીર વાસ્તવિકતા પક્ષના વરિષ્ઠ અને મોટા આગેવાનો પણ સમજે છે અને વ્યક્તિગત મુલાકાતોમાં તે જણાવે પણ છે, પરંતુ તેઓ અપમાનનો કડવો ઘૂંટડો પીને મૌન ધારણ કરી બેઠા છે.

સાચા અને પ્રામાણિક આલોચકોને મોટું નુકસાન

કોંગ્રેસના આ નકારાત્મક વલણથી દેશના સાચા અને પ્રામાણિક આલોચકોને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. જે લોકો લોકશાહી ઢબે સરકાર સામે પોતાના યોગ્ય વિચારો કે વિરોધ વ્યક્ત કરવા માંગે છે, તેમનો અવાજ કોંગ્રેસના બિનજરૂરી શોરબકોરમાં ક્યાંક ખોવાઈ જાય છે. લોકશાહી અને દેશનું ભલું ઈચ્છતા સાચા ટીકાકારોને પણ કોંગ્રેસના આ ચીસાચીસ અને હોબાળાના લીધે પોતાની વાત મુકવાની યોગ્ય તક મળતી નથી.


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો