PM Modi Cabinet: શું નરેન્દ્ર મોદી કેબિનેટમાં ફેરબદલની તૈયારી ચાલી રહી છે?, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી અઠવાડિયે પોતાના મંત્રીમંડળ સાથે બે દિવસ ચિંતન શિબિર યોજવાના છે. PM મોદીએ મંત્રીઓને અડધા ડઝનથી વધુ ગ્રુપમાં વહેંચવાનો નિર્દેશ આપ્યો છે. દરેક ગ્રુપમાં 8 મંત્રીઓ હશે. આ ગ્રુપમાં મંત્રીઓ સંવાદ, ગવર્નન્સ અને કામકાજને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ બેઠક આગામી અઠવાડિયે યોજાનાર બે દિવસીય સંપૂર્ણ મંત્રી પરિષદના ચિંતન શિબિર પહેલા યોજાશે. આ કારણે કેબિનેટમાં ફેરબદલને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.
2021માં પણ યોજાઈ હતી ચિંતન શિબિર
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, આ ચિંતન શિબિર 'સેવા તીર્થ' ખાતે યોજાશે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળના લગભગ મધ્યમાં આ રિટ્રીટ યોજાઈ રહી છે. આ પ્રકારની ચિંતન શિબિર અગાઉ 21 ઓક્ટોબર 2021ના રોજ યોજાઈ હતી. તે સમયે બીજા કાર્યકાળ દરમિયાન કેબિનેટમાં મોટા ફેરબદલના થોડા મહિનાઓ બાદ આ શિબિર યોજાઈ હતી. ત્યારે ચર્ચાનો મુખ્ય મુદ્દો ગવર્નન્સ અને પોલિસી બનાવવાનો હતો. આ કવાયતનો હેતુ મંત્રીઓને ગવર્નન્સના મુદ્દાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવાનો હતો. મંત્રીઓએ કાઉન્સિલમાં પોતાના સહયોગીઓની ભાગીદારી સાથે વિગતવાર પ્રેઝન્ટેશન પણ આપ્યાં હતાં.
ચિંતન શિબિરમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા
આગામી ચર્ચા સત્રોમાં પણ અગાઉ જેવો જ ફોર્મેટ અપનાવવામાં આવે તેવી શક્યતા છે. તેમાં અલગ-અલગ ગ્રુપ દ્વારા ચોક્કસ વિષયો પર ચર્ચા કરવામાં આવશે અને પ્રેઝન્ટેશન આપવામાં આવશે. આ ચિંતન શિબિરને ગવર્નન્સની સમીક્ષા કરવા, અલગ-અલગ મંત્રાલય વચ્ચે તાલમેલ વધારવા અને સરકારનો ભવિષ્યનો એજન્ડા તૈયાર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાજેતરમાં મંત્રાલયોને 2021ના ચિંતન શિબિરમાં આપવામાં આવેલી ભલામણો પર થયેલી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ આપવા માટે કહેવામાં આવ્યું હતું.
મંત્રીઓ અને મંત્રાલયોને આપવામાં આવ્યા ખાસ નિર્દેશ
મંત્રીઓ અને મંત્રાલયોને અનેક સૂચનાઓ આપવામાં આવી હતી. તેમાં મંત્રાલયની કામગીરીના લાઈવ ડેશબોર્ડ રાખવા, પ્રગતિની સમીક્ષા કરવા તેમજ ફીડબેક અને નવા વિચારો મેળવવા માટે તમામ કર્મચારીઓ સાથે વાતચીત કરવાનો સમાવેશ થાય છે. કોઈપણ સમયે મંત્રાલયોની કામગીરીની સમીક્ષા થઈ શકે છે. પીએમ મોદીએ તમામ મંત્રીઓને મંત્રાલયો અને વિભાગોની સત્તાવાર વેબસાઈટને વધુ યુઝર-ફ્રેન્ડલી બનાવવા માટે કામ કરવા કહ્યું હતું.
આ પણ વાંચો: 32,500 કરોડના 7 મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી, દેશના 9 રાજ્યોને થશે મોટો ફાયદો