પંજાબના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો ફેરફાર થયો છે. ભારતીય જનતા પાર્ટી અને શિરોમણી અકાલી દળે 6 વર્ષના અંતરાલ બાદ ફરી ગઠબંધન કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
117 બેઠકો પર સાથે ચૂંટણી લડવાની જાહેરાત
અમિત શાહે જણાવ્યું હતું કે એનડીએના સૌથી જૂના સહયોગી પક્ષોમાંથી એક અકાલી દળ ફરી ગઠબંધનમાં જોડાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે 2027ની પંજાબ વિધાનસભાની તમામ 117 બેઠકો પર બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે.
અકાલી દળ મોટા ભાઈની ભૂમિકામાં રહેશે
ગઠબંધનમાં અકાલી દળ મોટા ભાઈની ભૂમિકામાં રહેશે અને મુખ્યમંત્રી પણ અકાલી દળમાંથી જ હશે તેમ અમિત શાહે સ્પષ્ટ કર્યું હતું. જોકે, બંને પક્ષો વચ્ચે બેઠકોની ચોક્કસ વહેંચણી અંગેનો નિર્ણય આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે તેમ નીતિન નવીને જણાવ્યું હતું.
https://x.com/ANI/status/2125129862285242593?a=zyLfbbfNGZIMZlbs6TY&s=20
ત્રણ મહિનાની વાતચીત બાદ નિર્ણય પર મહોર
અમિત શાહે જણાવ્યું હતું કે સતત ત્રણ મહિનાની વાતચીત બાદ ગઠબંધન અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે પંજાબને નશામુક્ત બનાવવાનું વચન પણ ફરી દોહરાવ્યું હતું.
સુખબીર સિંહ બાદલે ‘ભાવનાત્મક ગઠબંધન’ ગણાવ્યું
અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે ગુરુપર્વના અવસરે ગઠબંધનનું સ્વાગત કરતાં તેને માત્ર રાજકીય સમજૂતી નહીં, પરંતુ પંજાબના હિતમાં રચાયેલું ‘ભાવનાત્મક ગઠબંધન’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પંજાબનો દરેક નાગરિક બંને પક્ષો ફરી સાથે આવે તેવી ઇચ્છા રાખતો હતો.
2020માં કૃષિ કાયદાના મુદ્દે તૂટ્યું હતું ગઠબંધન
ભાજપ અને અકાલી દળ વચ્ચે લાંબા સમયથી રાજકીય સંબંધો રહ્યા છે. જોકે, કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં સપ્ટેમ્બર 2020માં અકાલી દળે એનડીએમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા હતા. હવે 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં બંને ફરી એકસાથે આવ્યા છે.
31 ડિસેમ્બર 2029 સુધી પંજાબને નશામુક્ત કરવાનો દાવો
અમિત શાહે પંજાબમાં નશાની સમસ્યા, ભ્રષ્ટાચાર અને ગેંગસ્ટરવાદને ગઠબંધનના મુખ્ય મુદ્દા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યમાંથી નશાનું દૂષણ દૂર કરવું અને કાયદો-વ્યવસ્થા સુધારવી ગઠબંધનની પ્રાથમિકતા રહેશે. શાહે દાવો કર્યો હતો કે 31 ડિસેમ્બર 2029 સુધીમાં પંજાબને સંપૂર્ણ નશામુક્ત બનાવવામાં આવશે. તેમણે અગાઉની સરકારો પર નશા સામેના વચનો પૂરાં ન કરવાનો આક્ષેપ પણ કર્યો હતો.
ખેડૂતોની સમસ્યાઓ અને કાયદો-વ્યવસ્થા પર ભાર
અમિત શાહે જણાવ્યું હતું કે એનડીએ પંજાબના ખેડૂતોની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્યમાં ગેંગસ્ટરવાદ અને ગુનાખોરી પર નિયંત્રણ લાવવાની પણ તેમણે વાત કરી હતી.
ભાજપ અને અકાલી દળનો જૂનો સંબંધ
સુખબીર બાદલે કહ્યું હતું કે ભાજપ અને અકાલી દળનો જૂનો સંબંધ રહ્યો છે અને બંને ફરી સાથે આવવાથી પંજાબના વિકાસ, સુરક્ષા અને શાંતિના મુદ્દે સંયુક્ત રીતે કામ કરી શકાશે.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર અમિત શાહના પ્રહાર
અમિત શાહે પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર અને કોંગ્રેસ પર નશાની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અગાઉ પણ નશામુક્ત પંજાબના વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ સમસ્યા યથાવત્ છે. શાહે દાવો કર્યો હતો કે ગઠબંધન રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે કામ કરશે. હવે 2027ની ચૂંટણી પહેલાં ભાજપ અને અકાલી દળની બેઠક વહેંચણી કેવી રીતે થાય છે તેના પર રાજકીય નજર રહેશે.
આ પણ વાંચો : Ahmedabad : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન: ‘નકલી દેવી-દેવતાઓથી દૂર રહો, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે જ ભગવાન’