લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને વોટ ચોરીના વિરોધમાં 1 નવેમ્બરે કનોટ પ્લેસથી રામલીલા મેદાન સુધી ‘ચલો દિલ્હી’ માર્ચની જાહેરાત કરી છે. આ માર્ચના જવાબમાં ભાજપે પણ તે જ દિવસે દિલ્હીના તિલક નગરથી હરિ નગર સુધી 1984ના શિખ રમખાણોના પીડિતો સાથે પદયાત્રા કાઢવાની યોજના બનાવી છે.

કનોટ પ્લેસના જંક્શન પરથી વિપક્ષી ગઠબંધનની માર્ચ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને જણાવ્યું હતું કે 1 નવેમ્બરે બપોરે 12 વાગ્યે મિન્ટો રોડ અને કનોટ પ્લેસના જંક્શન પરથી વિપક્ષી ગઠબંધનની માર્ચ શરૂ થશે અને રામલીલા મેદાન સુધી તમામ નેતાઓ સાથે ચાલશે. 

વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ

તેમણે સામાન્ય જનતાને મોટી સંખ્યામાં આ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરી છે. ઇન્ડિયા ગઠબંધન દ્વારા આયોજિત આ ‘ચલો દિલ્હી’ માર્ચ બાદ રામલીલા મેદાનમાં એક વિશાળ સંયુક્ત મહારેલી યોજાશે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને વોટ ચોરી સામે અવાજ ઉઠાવવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીની પણ તિલક નગરથી હરિ નગર સુધી પદયાત્રા

આ વિપક્ષી પ્રદર્શનના સીધા વળતા જવાબમાં ભારતીય જનતા પાર્ટીએ પણ 1 નવેમ્બરે સવારે 11 વાગ્યે તિલક નગરથી હરિ નગર સુધી પદયાત્રા યોજવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ પદયાત્રામાં આશરે 5,000 લોકો સામેલ થશે, જેમાં 1984ના શિખ વિરોધી રમખાણોના પીડિતો અને તેમના પરિવારો મુખ્યત્વે ભાગ લેશે. ભાજપના વરિષ્ઠ સભ્યો, અગ્રણી શિખ આગેવાનો અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ આ કૂચમાં ઉપસ્થિત રહેશે. ભાજપે પંજાબની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શિખ મતદારોને કેન્દ્રમાં રાખી આ યોજના બનાવી છે.

દિલ્હીમાં શિખ રમખાણો થયા હતા

ઉલ્લેખનીય છે કે વર્ષ 1984માં 1 નવેમ્બરે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હીમાં શિખ રમખાણો ભડકી ઉઠ્યા હતા. તે સમયે તિલક નગર અને હરિ નગર વિસ્તારો હિંસામાં સળગી રહ્યા હતા અને ત્યાં શિખોની મોટા પાયે હત્યા કરાઈ હતી. રમખાણોના ડાઘ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના નિકટવર્તી મનાતા કોંગ્રેસી નેતાઓ સજ્જન કુમાર અને જગદીશ ટાઇટલર પર લાગ્યા હતા. 


આ પણ વાંચો :   Supreme Court : સંમતિથી બનેલો સંબંધ બ્રેકઅપ પછી દુષ્કર્મ નથી, તે પુરુષોની સ્વતંત્રતાને અસર કરે છે