West Bengal Politics: પશ્ચિમ બંગાળમાં 17 સાંસદોના ભાજપ પ્રવેશના દાવાથી રાજકીય ગરમાવો વધ્યો છે. બળવાખોર સાંસદે દાવો કર્યો કે મમતા બેનર્જીની TMCના 17 સાંસદો પાર્ટી છોડીને NCPIમાં વિલય કરવાની તૈયારીમાં છે. જોકે, ભાજપે આ દાવાને ફગાવતા હાલ કોઈ નવા નેતા કે સાંસદને પાર્ટીમાં લેવાની યોજના ન હોવાનું જણાવ્યું છે.

ભાજપે 17 સાંસદોના દાવાને ફગાવ્યો

પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યએ આ અટકળો પર સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે માત્ર કોઈ વ્યક્તિ ભાજપમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરે એટલે પાર્ટી તેને સામેલ કરી લે તેવું નથી. બાસુનિયાના દાવા પર કટાક્ષ કરતાં તેમણે પૂછ્યું કે તેઓ જે ભાજપની વાત કરી રહ્યા છે, શું તે ‘મંગળ ગ્રહવાળી ભાજપ’ છે?

TMC અને NCPIમાંથી કોઈ ભાજપમાં નહીં આવે

તેમણે કહ્યું, “મારી જાણકારી પ્રમાણે તૃણમૂલ અથવા NCPIમાંથી કોઈ પણ ભાજપમાં સામેલ થઈ રહ્યું નથી. રાજ્યના લોકો એ ભૂલ્યા નથી કે તૃણમૂલના શાસન દરમિયાન આ નેતાઓ અને સાંસદોએ કેવા પ્રકારના અત્યાચાર કર્યા હતા.”

શું સ્થાનિક ચૂંટણી છે કારણ?

આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં શમિક ભટ્ટાચાર્યએ NCPI અંગે કહ્યું હતું કે, આ તાજેતરમાં રચાયેલી નવી પાર્ટી છે. NCPIએ તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. ત્યારબાદ તે NDAમાં સામેલ થઈ છે અને તેનું સ્વાગત કરવામાં આવ્યું છે. જોકે, ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયા દિલ્હીમાં થઈ છે, જે કોલકાતાથી લગભગ 1,500 કિલોમીટર દૂર છે, તેથી તેની અસર કોલકાતા સુધી પહોંચવામાં સમય લાગશે.

ભાજપે પોતાના દમ પર ચૂંટણી લડી

શમિક ભટ્ટાચાર્યએ કહ્યું, “ભાજપે પશ્ચિમ બંગાળમાં પોતાના દમ પર ચૂંટણી લડી અને સત્તા સુધી પહોંચી છે. ન તો કોઈની કૃપાથી, ન કોઈના આશીર્વાદથી અને ન પોતાની વિચારધારા સાથે સમાધાન કરીને.” સોમવારે ભાજપના પ્રવક્તા દેવજીત સરકારે કહ્યું, “NCPI સાંસદના નિવેદન માટે ભાજપને જવાબદાર ઠેરવી શકાય નહીં.” હકીકતમાં, સાંસદ જગદીશચંદ્ર બાસુનિયાએ દાવો કર્યો હતો કે દુર્ગા પૂજા પહેલાં અથવા પછી 17 સાંસદ ભાજપમાં જોડાઈ શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સાંસદોએ પક્ષપલટા બદલ અયોગ્ય ઠરાવવાની કાર્યવાહીથી બચવા માટે આ નિર્ણય લીધો છે.

બળવાખોર સાંસદો તક માંગી રહ્યા છે

બળવાખોર નેતાઓએ સાથે મળીને ચૂંટણી લડવાની માંગ કરી છે. સાથે જ ગઠબંધન થવાનો દાવો પણ કર્યો છે. બળવાખોર સાંસદોમાં સામેલ વરિષ્ઠ નેતા કાકોલી ઘોષ દસ્તીદારે કહ્યું હતું, “અમે NDAમાં સામેલ સૌથી મોટા પક્ષ છીએ. તેથી ચૂંટણી દરમિયાન અમે NDAના સભ્યો તરીકે ચૂંટણી લડીશું. આવી સ્થિતિમાં અમારે ભાજપ સાથે ગઠબંધન કરવું પડશે. ચૂંટણી નજીક આવશે ત્યારે આ અંગે નિર્ણય લેવામાં આવશે, પરંતુ ગઠબંધન થવાની સંપૂર્ણ શક્યતા છે.”

20 બળવાખોર સાંસદો

આ બળવાખોર સાંસદોમાં કોકોલી ઘોષ દસ્તીદાર, સુદીપ બંદોપાધ્યાય, સાયોની ઘોષ, યુસુફ પઠાણ, શતાબ્દી રોય, અબુ તાહેર સહિત 20 નામ સામેલ છે. ખાસ વાત એ છે કે ત્રણ મુસ્લિમ સાંસદો પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ભાજપમાં નહીં જાય અને NDAને સમર્થન આપી રહ્યા છે. તાહેરે દાવો કર્યો છે કે તેઓ, યુસુફ પઠાણ અને ખલીલુર રહેમાન ભાજપમાં સામેલ નહીં થાય.

આ પણ વાંચો: અભિષેક બેનર્જીની મુશ્કેલી વધી, મંગળવારે હાજર થવા આદેશ