પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નામ અને ચૂંટણી ચિહ્નને લઈને ચાલી રહેલા વિવાદમાં ચૂંટણી પંચે વચગાળાનો આદેશ જાહેર કર્યો છે. પંચે મમતા બેનર્જી અને ઋતબ્રત બેનર્જીના નેતૃત્વવાળા બંને જૂથોને આગામી વિધાનસભા પેટાચૂંટણીઓમાં ‘ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ નામ અને પક્ષના હાલના ‘બે ફૂલ અને ઘાસ’ ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવા પર રોક લગાવી છે.

બંને જૂથોને 3 નામ અને 3 ચિહ્ન આપવા આદેશ

ચૂંટણી પંચે બંને જૂથોને 18 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં પોતાના જૂથ માટે 3 નામ અને ચૂંટણી પંચની ફ્રી સિમ્બલ લિસ્ટમાંથી 3 ચૂંટણી ચિહ્નના વિકલ્પ પ્રાથમિકતા ક્રમમાં રજૂ કરવા જણાવ્યું છે. પંચ ત્યારબાદ બંને જૂથને અલગ-અલગ નામ અને એક-એક મુક્ત ચૂંટણી ચિહ્ન ફાળવશે. આ વ્યવસ્થા હાલની પેટાચૂંટણીઓ પૂરતી મર્યાદિત રહેશે.

નંદીગ્રામ અને રેજીનગરમાં 6 ઓક્ટોબરે પેટાચૂંટણી

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠકો પર 6 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની છે. બંને જૂથોએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે અને તૃણમૂલ કોંગ્રેસના નામ તથા પરંપરાગત ચૂંટણી ચિહ્ન પર દાવો કર્યો છે. વિવાદના અંતિમ નિર્ણય સુધી પંચે બંને પક્ષોને સમાન તક આપવા માટે આ વચગાળાની વ્યવસ્થા કરી છે. અંતિમ નિર્ણય Symbols Order, 1968ના પેરા 15 હેઠળ લેવામાં આવશે.

સંગઠનાત્મક નિયંત્રણને લઈને વિવાદ

ઋતબ્રત જૂથનો દાવો છે કે રાષ્ટ્રીય કાર્યસમિતિનું પુનર્ગઠન દર 3 વર્ષે થવું જોઈએ હતું અને અગાઉની સમિતિનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025માં પૂર્ણ થઈ ગયો હતો. બીજી તરફ, મમતા જૂથે પક્ષના બંધારણનો હવાલો આપીને જણાવ્યું છે કે સંગઠનાત્મક ચૂંટણી 5 વર્ષના સમયગાળામાં યોજાય છે અને આગામી ચૂંટણી 31 જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ થવાની છે.

બંને પક્ષોએ પંચ સમક્ષ રજૂઆત કરી

ઋતબ્રત બેનર્જીના નેતૃત્વવાળા જૂથે ચૂંટણી પંચ સમક્ષ વહેલી તકે નિર્ણય લેવાની માગ કરી હતી. મમતા બેનર્જી જૂથે વચગાળાના આદેશનો વિરોધ કરીને આવો આદેશ આપવા માટે પૂરતો આધાર ન હોવાનું જણાવ્યું હતું. 22 જૂનના રોજ ઋતબ્રત બેનર્જીએ બળવાખોર નેતાઓની બેઠક બોલાવી નવી રાષ્ટ્રીય કાર્યસમિતિ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારથી પક્ષના સંગઠન, નામ અને ચૂંટણી ચિહ્ન પર બંને જૂથો વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. 


આ પણ વાંચો   :     Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video