બિહાર વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ઐતિહાસિક બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, જેના પગલે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરોમાં જશ્નનો માહોલ છે. આ ઐતિહાસિક જનાદેશ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટી (BJP) ના મુખ્યાલય ખાતે કાર્યકરોને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં PM મોદીએ બિહારની આ જીતને બે પરિબળો સાથે જોડી અને એક નવો 'MY ફોર્મ્યુલા' રજૂ કર્યો, જેણે જૂના તુષ્ટિકરણ આધારિત ફોર્મ્યુલાને ધ્વસ્ત કરી દીધો. તેમણે આ વિજય માટે બિહારના યુવાનો અને મહિલાઓનો વિશેષ આભાર માન્યો હતો.
તુષ્ટિકરણ નહીં, મહિલા અને યુવાનોનો સાથ
PM મોદીએ પોતાના સંબોધનમાં જૂની કહેવતનો ઉલ્લેખ કર્યો કે, "લોહા, લોહે કો કાટતા હૈ". તેમણે સમજાવ્યું કે ભૂતકાળમાં બિહારના કેટલાક પક્ષોએ તુષ્ટિકરણ આધારિત 'MY ફોર્મ્યુલા' બનાવ્યો હતો, પરંતુ આ ચૂંટણીના પરિણામોએ એક સકારાત્મક નવો 'MY (મહિલા અને યુથ)' ફોર્મ્યુલા આપ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે બિહાર દેશના એવા રાજ્યોમાં છે જ્યાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે, જેમાં દરેક ધર્મ અને જાતિના યુવાનો સામેલ છે. યુવાનોની ઇચ્છા, આકાંક્ષા અને સપનાઓએ 'જંગલરાજ'ના જૂના ફોર્મ્યુલાને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધો છે.













