ઑનલાઇન ગેમિંગ બિલ સંસદમાં પાસ થયા પછી માત્ર એક જ દિવસમાં, પ્રવર્તન નિયામક સંસ્થા (ED)એ કર્ણાટકના કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય કે. સી. વિરેન્દ્રના ઘરમાંથી 12 કરોડ રૂપિયા રોકડ જપ્ત કર્યા છે. માત્ર એટલું જ નહીં, પણ ઈડીએ અંદાજે 6 કરોડ રૂપિયાનું સોનુ, 10 કિલો ચાંદી, અને અન્ય કિંમતી વસ્તુઓ પણ કબજે કરી છે.
ઑનલાઇન અને ઑફલાઇન સટ્ટા મામલામાં FIR
EDએ ચિતદુર્ગા જિલ્લાના કોંગ્રેસ ધારાસભ્ય કે.સી. વિરેન્દ્ર અને અન્ય લોકો સામે ઑનલાઇન અને ઑફલાઇન સટ્ટાબાજીથી જોડાયેલા કેસમાં કાર્યવાહી શરૂ કરી છે.
દેશભરમાં 31 સ્થળોએ દરોડા
EDએ દેશના વિવિધ રાજ્યોમાં કુલ 31 સ્થળોએ દરોડા પાડ્યા, જેમાં ગંગટોક, ચિતદુર્ગા, બેંગલુરુ, હુબળી, જોધપુર, મુંબઈ અને ગોવા જેવા શહેરો સામેલ છે. ગોવાના પાંચ કેસિનો – પપ્પી'સ કેસિનો ગોલ્ડ, ઓશન રિવર્સ કેસિનો, પપ્પી'સ કેસિનો પ્રાઈડ, ઓશન 7 કેસિનો અને બિગ ડેડી કેસિનો – પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.
દુબઈથી ચલાવતા હતા કંપનીઓ
તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ઘણી ઑનલાઇન સટ્ટાબાજી વેબસાઈટ ચલાવી રહ્યા હતા, જેમ કે King567, Raja567 વગેરે. આ ઉપરાંત, આરોપીના ભાઈ કે.સી. થિપ્પેસ્વામી દુબઈથી ત્રણ કંપનીઓ ચલાવતો હતો – ડાયમંડ સોફ્ટટેક, TRS ટેકનોલોજીસ અને પ્રાઈમ9 ટેકનોલોજીસ – જે કોલ સેન્ટર અને ગેમિંગ બિઝનેસ સાથે જોડાયેલી હતી. બીજો ભાઈ કે.સી. નાગરાજ અને તેનો પુત્ર પૃથ્વી એન. રાજ પણ આ તમામ ગતિવિધિઓમાં સંડોવાયેલા હોવાનું જણાવાયું છે.
EDને મળી મોટી સંપત્તિ
દરોડા દરમિયાન EDએ 12 કરોડની રોકડ (જેનામાંથી ₹1 કરોડ વિદેશી ચલણમાં છે), 6 કરોડ જેટલું સોનુ, 10 કિલો ચાંદી, 4 લક્ઝરી કાર તથા 17 બેંક ખાતાં અને 2 લૉકર્સ “ફ્રીઝ” કરાયા છે તો સાથે સાથે મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવા પણ જપ્ત કરાયા છે આમાંથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓએ કાળી કમાણીના પૈસાને 'લેયરિંગ' દ્વારા સફેદ રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો.
ગંગટોકમાંથી થઈ ધરપકડ
માહિતી મુજબ, કૅ.સી. વિરેન્દ્ર તાજેતરમાં તેમના સાથીઓ સાથે ગંગટોક ગયા હતા, જ્યાં તેઓ એક જમીન પર આધારિત કેસિનોને લીઝ પર લેવા ઈચ્છતા હતા. આ દરમ્યાન EDએ ગંગટોકમાંથી તેમની ધરપકડ કરી લીધી. ત્યારબાદ શનિવારે તેમને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પછી બેંગલુરુ કોર્ટ લઈ જવા માટે ટ્રાંઝિટ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે