પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોત બાદ પહેલી વાર મહારાજનો 23 મિનિટનું પ્રવચન સામે આવ્યું છે. તેમના સત્તાવાર માધ્યમ પર જાહેર થયેલા આ પ્રવચનમાં મહારાજે કોઈનું નામ લીધા વિના ધીરજ, અપમાન, નિંદા અને ઈશ્વર પ્રત્યે સમર્પણનો સંદેશ આપ્યો છે. શિષ્યના મોતને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આ પ્રવચન ચર્ચાનો વિષય બન્યું છે.

નિર્દોષ હોવા છતાં નિંદા થાય તો શું કરવું?

પ્રવચનમાં પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે કોઈ વ્યક્તિ નિર્દોષ હોવા છતાં તેની નિંદા કરવામાં આવે અથવા તેના પર આક્ષેપો કરવામાં આવે, તો આવા મુશ્કેલ સમયમાં ધીરજ ગુમાવવી જોઈએ નહીં. વ્યક્તિએ પોતાની જાતને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરીને સત્ય પર વિશ્વાસ રાખવો જોઈએ.

અપમાનને પણ ઈશ્વરની કૃપા માનવી

મહારાજે પ્રતિકૂળ પરિસ્થિતિઓ, અપમાન અને નિંદાને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી સમજાવ્યાં હતાં. તેમણે જણાવ્યું કે જીવનમાં આવતી મુશ્કેલીઓને માત્ર દુઃખ તરીકે જોવાને બદલે તેમાંથી ધીરજ અને ભક્તિનો માર્ગ શોધવો જોઈએ.

મીરાંબાઈ અને ભક્ત પ્રહ્લાદનાં ઉદાહરણ

પ્રવચનમાં મીરાંબાઈ અને ભક્ત પ્રહ્લાદનાં ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યું કે મહાન ભક્તોએ પણ જીવનમાં અસહ્ય કષ્ટો અને અપમાનનો સામનો કર્યો હતો. તેમ છતાં તેમણે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા છોડી નહોતી. આ ઉદાહરણો દ્વારા મહારાજે ભક્તોને મુશ્કેલ સમયમાં પણ અડગ રહેવાનો સંદેશ આપ્યો.

વિવાદ વચ્ચે ભક્તોને મહત્વની શીખ

મહારાજે પોતાના પ્રવચનમાં સત્યનો માર્ગ ન છોડવા, જૂઠનો સહારો ન લેવા અને બીજાની નિંદામાં સમય બગાડવાને બદલે આત્મચિંતન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે બીજાની ભૂલો પર ક્રોધ કરવા કે ઈર્ષ્યા રાખવા કરતાં ક્ષમાભાવ અપનાવવાની શીખ આપી હતી.

શું આ પ્રવચન શિષ્યના મોતના વિવાદ સાથે જોડાયેલું છે?

રસિક દુલારી શરણના મોત અંગેના વિવાદ વચ્ચે આ પ્રવચન સામે આવ્યું હોવાથી તેને સમગ્ર ઘટનાક્રમ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. જોકે, ઉપલબ્ધ વિગતો અનુસાર પ્રેમાનંદ મહારાજે પ્રવચનમાં પોતાના શિષ્યનું નામ લીધું નથી કે મોતના વિવાદનો સીધો ઉલ્લેખ કર્યો નથી. તેથી આ પ્રવચન ખાસ કરીને આ જ ઘટનાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું હતું એવું નિશ્ચિતપણે કહી શકાય નહીં. મહારાજનો મુખ્ય સંદેશ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ધીરજ રાખવા, સત્યના માર્ગે ચાલવા અને ઈશ્વર પર શ્રદ્ધા જાળવી રાખવાનો છે. 


આ પણ વાંચો :   Nana Patekar : નાનાએ કર્યું પત્રકારનું ‘એન્કાઉન્ટર’! પહેલા રંગમંચ પરથી ધક્કો મારીને મને ઉતાર્યો અને...