નવી દિલ્હીમાં ઈન્ડિયન ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઈલેક્ટોરલ મેનેજમેન્ટ ખાતે આયોજિત બે દિવસીય ચૂંટણી પંચ પરિષદ ગુરુવારે પૂર્ણ થઈ છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના રાષ્ટ્રવ્યાપી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
SIR માટેની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવાનો નિર્દેશ
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ પરિષદની અધ્યક્ષતા કરી હતી. ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી હાજર રહ્યા હતા. કોન્ફરન્સ દરમિયાન કમિશને મુખ્ય કાર્યકારી અધિકારીઓને તેમના સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) માટેની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવાનો નિર્દેશ આપ્યો. વરિષ્ઠ કમિશન અધિકારીઓ દ્વારા SIR પ્રક્રિયા પર રજૂઆત બાદ, મુખ્ય કાર્યકારી અધિકારીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું. કમિશને અગાઉના SIR મુજબ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારોને વર્તમાન મતદારો સાથે મેચ કરવા માટે CEOને અગાઉ જાહેર કરાયેલી સૂચનાઓની પ્રગતિનું પણ મૂલ્યાંકન કર્યું.













